ગુરુવાર, 15 નવેમ્બર, 2012

હાજરી

સિંહોના હુંકાર વચ્ચે ચીં ચીં લઈને આવી છું
નોખી મારી ભાત નોખી લીટી લઈને આવી છું
પારુલ ખખ્ખર

વિદ્વાનોની વચ્ચે સામાન્ય જને પોતાની હાજરી પુરાવવાની વાત કરે છે.કવિયત્રીએ સિંહ અને ચકલી એ બે પ્રતિકો દ્વારા મુદ્દો રજૂ કર્યો છે.સિંહોની હુંકાર દ્વારા વિદ્વાનો મોટા માણસો મહારથીઓની વિદ્વતા સમર્થતાને રજૂ કરી છે.ચકલીની ચીં ચી દ્વારા સામાન્ય માનવીના પક્ષ ની રજૂઆત કરી છે. સામાન્ય માણસ પાસે પણ કંઈ ખ વિશેષ છે,હોય છે.એમ કવિયત્રી જણાવે છે. નોખી મારી ભાત નોખી લીટી દ્વારા સામાન્ય માનવીની વિદ્વતા રજૂ કરી છે.

તા.૧૭/૬/૧૨ના દિવસે જયહિંદમાં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલો લેખનો અંશ
અભણ અમદાવાદી

સોમવાર, 12 નવેમ્બર, 2012

ધીરજ

માર્ગ રચનારા બધાની ખંત દેખાશે તને
સ્હેજ ધીરજ ધર સફરનો અંત દેખાશે તને
ડો. ઉર્વીશ વસાવડા
  
મને આ શેરનો પ્રથમ મિસરો બહુ ગમ્યો છે.મિસરામાં એવી વ્યક્તિઓ વિશે વાત કરાઈ છે જેમના વિશે લોકો વિચારતા નથી.તમે જે રસ્તે પસાર થઈ મંઝીલે પહોંચો છો તે કોણે બનાવ્યો? કયારે બન્યો? કેટલા જણનો પરિશ્રમ એમાં શામેલ છે? વગેરે પ્રશ્નો મનમાં ઉદભવે છે?
એક વ્યક્તિ લક્ષ્ય હાંસલ કરે એમાં એના સિવાય કેટલાનો પ્રત્યક્ષ અને પરોક્ષ
ફાળો હોય છે.એક રોડ બને એમાં માર્ગનું આયોજન કરનાર શાસનતંત્ર,શ્રમિકો,કોન્ટ્રાકટર એ બધાનો ફાળો હોય છે.
એક વિદ્યાર્થી ૧૦મા ધોરણની પરીક્ષા પાસ કરે છે ત્યારે કેટલા જણની મહેનત સફળ થાય છે? માતા-પિતા, સ્કૂલનો સ્ટાફ, સ્કૂલ રીક્ષા કે બસનો ડ્રાયવર એમ ઘણાની મહેનત સફળ થાય છે.
ટૂંકમાં એક વ્યક્તિની સફળતા પાછળ અનેકોની મહેનત હોય છે.
બીજા મિસરામાં શાયરે ધીરજપૂર્વક સફર પૂરી કરવાની વાત કરી છે. પ્રવાસી મંઝીલ મેળવે તો જ રસ્તો બનાવનારાઓની મહેનત સફળ થાય છે. પ્રવાસી મંઝીલ ન મેળવે તો રસ્તો બનાવવાનો મતલબ શો?

જયહિંન્દમાં તા.૧૧।૭।૨૦૧૦ ના દિવસે મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

હૌસલા

યૂં સબ કે સામને મેરી ઉડાન કુછ ભી નહીં
જો છૂના ચાહું તો ફિર આસમાન કુછ ભી નહીં
ઋષિપાલ ધીમાન

લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગાનાં ત્રણ આવર્તનમાં લખાયેલો સરસ પ્રેરણાદાયક મત્લો છે. કવિ પોતાની ક્ષમતા સારી રીતે જાણે છે સમજે છે. કવિ નમ્રતાપૂર્વક પોતાની ક્ષમતા વિશે કહે છે અન્યોની સરખામણીમાં મારી કોઈ વિસાત નથી. હું કંઈ જ નથી. બીજી પંકિતમાં ક્ષમતાની રજૂઆત કરે છે. અદ્ભુત રજૂઆત કરે છે. કવિ કહે છે 'જો છૂના...
.' મતલબ મારી ઈચ્છા હોય હું ધારી લઉં તો આકાશ કંઈ જ નથી. આકાશથી ઊંચા ગહન વિશાળ લક્ષ્ય મેળવવા અઘરા નથી.કવિ એ આ પંક્તિઓ દ્વારા કવિઓમાં છુપાયેલી વિલક્ષણ પ્રતિભા તરફ પણ સંકેત કર્યો છે. જ્યાં ન પહોંચે રવિ ત્યા પહોંચે કવિ.
તા.૨૭।૫।૨૦૧૨ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

અનુસરણ

હું જો અનુસરણ ન કરું તો કરું યે શું?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે
જલન માતરી

વા...હ જલન સાહેબ વા...હ
મૃત્યુ સનાતન સત્ય છે. જલન સાહેબે આ વાત સાવ સરળ શબ્દોમાં કહી છે. સામાન્ય રીતે લોકો સારા કાર્યો કે સફળતાનું અનુસરણ કરે છે. આ વાતનો આધાર લઈને મૃત્યુનું સનાતન સત્ય રજૂ થયું છે. જે અવતરે છે નિશ્ચિત મૃત્યુ લઈને અવતરે છે. પણ નિશ્ચિત મૃત્યુને અનુસરણ સાથે સરખાવી શાયરે શેરને ઊત્તમ શ્રેણીનો બનાવી દીધો છે. જગતનો દરેક માનવી અન્ય કોઈ કાર્યનું અનુસરણ કરે કે ન કરે. મૃત્યુનું અનુસરણ જરૂર કરે છે.

દૈનિક 'જયહિંદ'માં તા.૧।૧।૨૦૧૨ ના દિવસે મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

પાણીદાર સંબંધ

સંબંધ પાણીદાર રહ્યો આપણો સદા
સૂકાઈ ગઈ નદી તો આ નયનો સજળ રહ્યા
રઈશ મનીયાર

ખૂબ જ ધારદાર શેર છે. શાયરે પાણીદાર શબ્દનો બહુ જ ખૂબીપૂર્વક કલાત્મક અને અલંકારિક ઉપયોગ કર્યો છે. પાણીદાર એટલે તેજવાળું, પ્રભાવી.

શાયરની ખૂબી જુઓ. એમણે સંબંધને સદાય પાણીદાર કહ્યો છે. પહેલા મિસરામાં આ વાતને રજૂ કર્યા પછી બીજા મિસરામાં સુકાઈ ગઈ નદી.... શબ્દો દ્વારા તૂટેલા કે વિયોગ પામેલા સંબંધ તરફ ઈશારો કરી પાણીદાર સંબંધનું બીજું સ્વરૂપ છતું કર્યું છે. જ્યારે નદી સુકાઈ ન હતી ત્યારે સંબંધ મિલનનાં પાણીથી છલોછલ હતો. વિયોગ પછી આંખ પાણીથી છલોછલ થઈ. બંને ઘટનામાં સંબંધ 'પાણીદાર' જ રહ્યો.

તા.૫।૨।૧૨ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

તડપ બઢાઈ ગઈ

યહ જમીં જિસ કદર સજાઈ ગઈ
જિન્દગી કી તડપ બઢાઈ ગઈ
સાહિર લુધિયાનવી

સાહિરને બાગી શાયર કહેવાય છે. એમણે લખેલા ગીતો ગઝલો નજમો યાદગાર છે. ઔરતને જનમ દીયા મરદોં કો, મરદોંને ઉસે બાજાર દીયા, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ; આ રચનાઓ સાહિરના મિજાજનો ખ્યાલ આપે છે. ઊપરોક્ત શેરમાં પણ એમણે વિદ્રોહી મિજાજ બતાવ્યો છે.
આજ સુધી માનવે જે વિકાસ કર્યો છે એણે જીવનમાં મુશ્કેલીઓ વધારી છે. વિકાસના નામે માનવી ભૌતિક સગવડ
ો વધારી રહ્યો છે. ભૌતિક સગવડોના વધારાને વિકાસ સમજી રહ્યો છે. ઘરમાં ફ્રીજ, એસીનું આવવું પ્રગતિ ગણાય છે. વાસ્તવિકતાએ છે કે ભૌતિક સાધનો સમસ્યાઓના જનક છે. દસ માનવી જેટલું કાર્ય એક યંત્ર કરી દે તો નવ વ્યક્તિ તો બેકાર જ થયાને? આજની સૌથી મોટી સમસ્યા બેકારીના પાયામાં યાંત્રિક સાધનો થયા કે નહીં? તમારી આજુબાજુ આવા અસંખ્ય ઊદાહરણો મળી જશે. જે 'વિકાસ'ના દુષ્પરિણામો છે. બાળકોમાં ચરબીના વધેલા થર જોવા મળે છે? ચશ્માવાળા વ્યક્તિઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે? માનસિક રોગીઓની સંખ્યા વધી રહી છે. ડિપ્રેશનનાં, આત્મહત્યાનાં (હવે તો કુટુંબો સામૂહિક આત્મહત્યા કરે છે) કિસ્સા વધી રહ્યાં છે. કેમ? કારણ કે વિકાસે સરળતા અને સાદગીને દેશવટો આપી દીધો છે. સંઘર્ષ વધી ગયો છે.

તા.૧૧।૩।૨૦૧૨ના દિવસે 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

મનુષ્યતા

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી
ભગવતીકુમાર શર્મા
 
ગણવેશ એટલે નક્કી કરેલો પહેરવેશ. તમને ખબર હશે કે સમાજના લગભગ દરેક વર્ગ માટે ખાસ પ્રકારના, ખાસ રંગના ગણવેશ નક્કી કરાયેલા છે. ખાસ કરીને માનવી વ્યવસાયમાં કાર્યરત હોય ત્યારે એ ગણવેશમાં હોય છે. ઘણા વ્યવસાય કે સેવાઓ એવા છે કે ગણવેશમાં ન હોવું; ગેરશિસ્ત મનાય છે. પોલીસો માટે ખાખી કે બ્લ્યુ વર્દી, વકીલો માટે કાળો કોટ નક્કી કરાયેલા છે. ડોક્ટરો, નર્સો તથા એરફોર્સ માટે સફેદ, કુલી માટે લાલ, પાયદળ માટે લીલોતરીને મળતા રંગનો ગણવેશ નક્કી કરાયેલા છે. દરેક સ્કૂલનો પોતાનો આગવો ગણવેશ હોય છે. ઓફીસો શોરૂમોમાં કર્મચારીઓ અને સેલ્સમેનોના વસ્ત્રો સરખા હોય છે. ગણવેશ માનવીનો વ્યવસાય અથવા સામાજીક દરજ્જો દર્શાવે છે પણ દર્શાવે એવા ગણવેશનું નિર્માણ થયુ નથી. માનવતા ગણવેશની મોહતાજ નથી. એ એક સમ્રાટમાં અને એક ફકીરમાં પણ હોઈ શકે છે. બંનેમાં ન હોય એવું ય હોઈ શકે.
ટૂંકમાં ગણવેશ કે અન્ય બાહ્ય દેખાવ માનવીનો દરજજો વ્યક્ત કરી શકે પણ માનવતાને વ્યક્ત ન કરી શકે.
તા.૨૮।૧૦।૨૦૧૦ના રોજ જયહિન્દમાં મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી