શુક્રવાર, 11 જાન્યુઆરી, 2013

ઘુંઘરું


એ થનગનતા હૈયાને દિવાલ કેવી?
પગે શૃંખલા જેને મન ઘુંઘરું છે
શૂન્ય પાલનપુરી

જે વ્યકિતએ ઈતિહાસ લખવો હોય. એને કોઈ દિવાલ કોઈ વિઘ્ન રોકી શકતા નથી. ઈતિહાસમાં નવા પાના ઉમેરવાની તમન્ના રાખનાર વ્યક્તિ અવરોધોને પણ સહાયક તત્વ ગણે છે. આ વિચારને શૂન્ય સાહેબે પગે શ્રૃંખલા જેને મન ઘુંઘરુ છે એ તર્ક દ્વારા રજુ કર્યો છે. જે વ્યકિતને પગમાં પડેલી બેડીઓ પણ ઘુંઘરુ લાગે. એના જોશને, થનગનાટને રોકવાનું ગજુ કોઈ દિવાલમાં હોતુ નથી.

અહીં ઘુંઘરુ અને શ્રૃંખલા શબ્દ ખૂબ સૂચક છે. બંને શબ્દ બે અલગ અલગ સત્યને રજુ કરે છે. બંને પગમાં બંધાય છે. પણ શ્રૃંખલા બંધન, ગુલામીની પ્રતિક છે જ્યારે ઘુંઘરુ કલાના પ્રતિક છે.

તા.૦૮।૦૮।૨૦૧૦ના દિવસે દૈનિક જયહિન્દમાં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

કર્તવ્ય કેડી

સુંવાળી નથી દોસ્ત! કર્તવ્ય કેડી
ગુલાબોથી ઝાઝા અહીં ગોખરુ છે
શૂન્ય પાલનપુરી

કર્તવ્ય પથ પર ચાલવું સરળ નથી. તે પથ પર ગુલાબ (પ્રશંસા) ઓછા અને ગોખરૂ (ટીકા, બદનામી) વધારે મળે છે. મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચવાથી આ વાત બહુ સરળતાથી સમજાઈ જાય છે.

મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સોક્રેટીસ, ચંદ્રગુપ્ત મૌર્ય, સિકંદર, સુભાષચંદ્ર બોઝ જેવા મહામાનવોના જીવન ચરિત્રો વાંચીએ ત્યારે ખબર પડે છે. તેઓ કેવા કાંટાળા પથ પર ચાલ્યા હતા. કેવા કેવા પડકારોનો સામનો કર્યો હતો. બાદશાહ અકબરને જીવનના બારમા વર્ષે ફૂંકી મારવા માટે તોપના મોઢે બાંધવામાં આવ્યો હતો. સોક્રેટીસે ઝેરનો પ્યાલો પીવો પડ્યો હતો. હાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માથે ઓછા માછલા ધોવાય છે?

તા.૦૮।૦૮।૨૦૧૦ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી  

ભારત કે લોગ


બુધવાર, 19 ડિસેમ્બર, 2012

મુંઝારો

 આવીને આંગળીમાં ટકોરા રહી ગયા
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે
મરીઝ

ઘણી વાર વાત હોઠે આવીને અટકી જાય છે. મન મુંઝાઈ જાય છે. કહું? કે ના કહું? વ્યક્ત થાઉ કે ના થાઉં? મારી વાતનો, મુદ્દાનો, વિષયનો, પ્રણય પ્રસ્તાવનો અસ્વીકાર થશે તો? વ્યક્તિ અસ્વીકૃતિથી ડરે છે. મરીઝે અસ્વીકૃતિના ડરને બીજી પંક્તિમાં બંધ દ્વાર શબ્દ દ્વારા વ્યક્ત કર્યો હોય એવું લાગે છે.

દુનિયામાં કંઈકનો હું કરજદાર છું 'મરીઝ'
ચુકવું બધાનં દેણ જો અલ્લાહ ઉધાર દે

જેના પર પ્રભુની મહેર થાય છે. તે કોઈનો કરજદાર નથી રહેતો. પ્રભુની મહેર ન હોય તો માનવી ગમે તેનો કરજદાર થઈ શકે છે.

તા.22।4।2012ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

સોમવાર, 17 ડિસેમ્બર, 2012

કચ્ચે લોગ

આઈને સે બિગડ બૈઠે
જિન કી સૂરત જિન્હેં દિખાઈ ગઈ
સાહિર લુધિયાનવી

વ્યક્તિ સત્યનો સામનો નથી કરી શકતો. લોકો સત્યથી રૂબરૂ કરાવનાર વ્યક્તિથી જ રિસાઈ જાય છે.

આ હકીકતને પત્રકારો, લેખકો, કવિઓથી વધારે સારી રીતે કોણ સમજી શકે? આ લોકો સમાજમાં વ્યાપ્ત ષડયંત્રો, કૌભાંડો, ગેરવ્યવસ્થાને ખુલ્લા પાડે છે. ત્યારે એમાં સંડોવાયેલા લોકો આમનાથી રિસાઈ જાય છે. ક્યારેક એવું ય બને છે. સંડોવાયેલાઓ આઈનાને તોડી પણ નાંખે છે.

તા.૧૧।૦૩।૨૦૧૨ના દિવસે દૈનિક 'જયહિંન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

હાજરી

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે
મરીઝ

સંબંધો સતત હાજરી, કર્મઠતા, મેળ-મુલાકાતો જેવા વિવિધ કારણોસર સચવાય છે. માણસ ત્યાં જવું પસંદ કરે છે જ્યાં ઉષ્માભર્યો આવકાર મળે. આવકાર ન મળે ત્યાં જવું કોઈને પસંદ પડતું નથી. આ વાતનો ટેકો લઈ શાયરે પીઠામાં જવાની વાતને ઉચિત ઠરાવવાનો પ્રયાસ કર્યો છે. પ્રાર્થના સ્થળોએ કોઈ હોય છે જે આવકારે? જ્યારે પીઠામાં આવકારનારા તો ઘણા મળી જા
ય છે. પ્રાર્થના સ્થળો પ્રભુના ધામ હોય છે માટે સૌના હોય છે. સૌના હોય છે. તે સરવાળે કોઈના નથી હોતા.

પીઠામાં માણસ વિશિષ્ટ માનસિક અવસ્થાએ પહોંચી જાય છે. મન ખોલી દે છે. સુખ દુ:ખ વ્યથા કથા ગમો અણગમો લડાઈ ઝઘડા તમામ લાગણીઓની ખુલ્લા દિલે આપ લે કરે છે. પ્રાર્થના સ્થળે માણસ ફક્ત યાચક બનીને જાય છે.

તા.22।04।2012ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

રવિવાર, 16 ડિસેમ્બર, 2012

ઢોંગ

અદાવત દિલમેં રખતે હૈં મગર યારી દિખાતે હૈં
ન જાને લોગ ભી ક્યા ક્યા અદાકારી દિખાતે હૈં
વીરેન્દ્ર ખરે 'અકેલા'

હિન્દીમાં 'મુખ મેં રામ બગલ મેં છુરી' કહેવત છે. કવિએ તે કહેવતના અર્થને મત્લામાં વ્યક્ત કર્યો છે. કવિના મતે જગતના લોકો ઉત્તમ અભિનેતા છે. મનમાં દ્વેષ હોય, વેર ઝેર, ઈર્ષા, અદેખાઈ હોય પણ ઉપરથી હસતું મોં રાખે. મનોમન શ્રાપ આપતા હોય ઉપરથી મધઝરતા શબ્દોમાં વાત કરે.

અભિનય શું છે? નક્કી કરેલ ચોક્કસ લાગણીને ચોક્કસ સ્થાને ચોક્કસ પળે ચોક્કસ અંદાજમાં વ્યક્ત કરવાની કળાનું નામ અભિનય. તમને વાસ્તવિક જીવનમાં ઉત્તમ કક્ષાના ઘણા અભિનેતા મળી જશે. જે ઉપર મુજબનો ઢોંગ કરે છે

તા.13।05।2012ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ