શનિવાર, 17 માર્ચ, 2012

વિરહ ની રાત

આ વિરહની રાત છે તારીખનું પાનું નથી
અહીં દિવસ બદલાય છે તો આખો યુગ બદલાય છે
સૈફ પાલનપુરી

તારીખનું પાનુ બદલાવું એટલે ચોવીસ કલાક થવા. જેણે પ્રીત કરી છે, વિરહની પાનખર ભોગવી છે એને ખબર હોય છે કે તારીખના એક પાનામાં કેટલા યુગ સમાયેલા હોય છે. બલ્કે એક એક ક્ષણમાં હજાર હજાર યુગ હોય છે. એક એક યુગ કેવી રીતે અને કેટલો આકરો વીતે છે એ હકીકત વિરહની વેદના ભોગવનાર જ જાણે છે. કવિ સૈફ પાલનપુરીએ વિરહકાળને રાત સાથે સરખાવ્યો છે. રાત કાળી અંધારી હોય છે. દુખી માનવી માટે રાત પસાર કરવી ખૂબ જ મુશ્કેલ કાર્ય છે કારણ કે માનવી રાત્રે દિવસની જેમ વ્યસ્ત નથી હોતો. દિલ પર પડેલા ઘા એને ઊંઘવા નથી દેતા અને અંધારી રાત જાગવા નથી દેતી.

એક પ્રણાલિકા નભાવું છું લખું છું 'સૈફ' હું
બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જીવાય છે

આ શેરમાં કવિએ વાસ્તવિક જીવન અને કાવ્યમાં દર્શાવાતા જીવન વચ્ચે ભેદ હોય છે એની વાત કરી છે. કાવ્યમાં જે આદર્શ સમાજ, રાષ્ટ્ર, વિશ્વ અને વ્યવસ્થાનું ચિત્રણ હોય છે તે વાસ્તવમાં ક્યાંય દેખાતું નથી.

દૈનિક જયહિન્દમાં મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં તા.૧૧।૧૨।૨૦૧૧ ના રોજ છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો