ગુરુવાર, 15 નવેમ્બર, 2012

હાજરી

સિંહોના હુંકાર વચ્ચે ચીં ચીં લઈને આવી છું
નોખી મારી ભાત નોખી લીટી લઈને આવી છું
પારુલ ખખ્ખર

વિદ્વાનોની વચ્ચે સામાન્ય જને પોતાની હાજરી પુરાવવાની વાત કરે છે.કવિયત્રીએ સિંહ અને ચકલી એ બે પ્રતિકો દ્વારા મુદ્દો રજૂ કર્યો છે.સિંહોની હુંકાર દ્વારા વિદ્વાનો મોટા માણસો મહારથીઓની વિદ્વતા સમર્થતાને રજૂ કરી છે.ચકલીની ચીં ચી દ્વારા સામાન્ય માનવીના પક્ષ ની રજૂઆત કરી છે. સામાન્ય માણસ પાસે પણ કંઈ ખ વિશેષ છે,હોય છે.એમ કવિયત્રી જણાવે છે. નોખી મારી ભાત નોખી લીટી દ્વારા સામાન્ય માનવીની વિદ્વતા રજૂ કરી છે.

તા.૧૭/૬/૧૨ના દિવસે જયહિંદમાં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલો લેખનો અંશ
અભણ અમદાવાદી

સોમવાર, 12 નવેમ્બર, 2012

ધીરજ

માર્ગ રચનારા બધાની ખંત દેખાશે તને
સ્હેજ ધીરજ ધર સફરનો અંત દેખાશે તને
ડો. ઉર્વીશ વસાવડા
  
મને આ શેરનો પ્રથમ મિસરો બહુ ગમ્યો છે.મિસરામાં એવી વ્યક્તિઓ વિશે વાત કરાઈ છે જેમના વિશે લોકો વિચારતા નથી.તમે જે રસ્તે પસાર થઈ મંઝીલે પહોંચો છો તે કોણે બનાવ્યો? કયારે બન્યો? કેટલા જણનો પરિશ્રમ એમાં શામેલ છે? વગેરે પ્રશ્નો મનમાં ઉદભવે છે?
એક વ્યક્તિ લક્ષ્ય હાંસલ કરે એમાં એના સિવાય કેટલાનો પ્રત્યક્ષ અને પરોક્ષ
ફાળો હોય છે.એક રોડ બને એમાં માર્ગનું આયોજન કરનાર શાસનતંત્ર,શ્રમિકો,કોન્ટ્રાકટર એ બધાનો ફાળો હોય છે.
એક વિદ્યાર્થી ૧૦મા ધોરણની પરીક્ષા પાસ કરે છે ત્યારે કેટલા જણની મહેનત સફળ થાય છે? માતા-પિતા, સ્કૂલનો સ્ટાફ, સ્કૂલ રીક્ષા કે બસનો ડ્રાયવર એમ ઘણાની મહેનત સફળ થાય છે.
ટૂંકમાં એક વ્યક્તિની સફળતા પાછળ અનેકોની મહેનત હોય છે.
બીજા મિસરામાં શાયરે ધીરજપૂર્વક સફર પૂરી કરવાની વાત કરી છે. પ્રવાસી મંઝીલ મેળવે તો જ રસ્તો બનાવનારાઓની મહેનત સફળ થાય છે. પ્રવાસી મંઝીલ ન મેળવે તો રસ્તો બનાવવાનો મતલબ શો?

જયહિંન્દમાં તા.૧૧।૭।૨૦૧૦ ના દિવસે મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

હૌસલા

યૂં સબ કે સામને મેરી ઉડાન કુછ ભી નહીં
જો છૂના ચાહું તો ફિર આસમાન કુછ ભી નહીં
ઋષિપાલ ધીમાન

લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગાનાં ત્રણ આવર્તનમાં લખાયેલો સરસ પ્રેરણાદાયક મત્લો છે. કવિ પોતાની ક્ષમતા સારી રીતે જાણે છે સમજે છે. કવિ નમ્રતાપૂર્વક પોતાની ક્ષમતા વિશે કહે છે અન્યોની સરખામણીમાં મારી કોઈ વિસાત નથી. હું કંઈ જ નથી. બીજી પંકિતમાં ક્ષમતાની રજૂઆત કરે છે. અદ્ભુત રજૂઆત કરે છે. કવિ કહે છે 'જો છૂના...
.' મતલબ મારી ઈચ્છા હોય હું ધારી લઉં તો આકાશ કંઈ જ નથી. આકાશથી ઊંચા ગહન વિશાળ લક્ષ્ય મેળવવા અઘરા નથી.કવિ એ આ પંક્તિઓ દ્વારા કવિઓમાં છુપાયેલી વિલક્ષણ પ્રતિભા તરફ પણ સંકેત કર્યો છે. જ્યાં ન પહોંચે રવિ ત્યા પહોંચે કવિ.
તા.૨૭।૫।૨૦૧૨ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

અનુસરણ

હું જો અનુસરણ ન કરું તો કરું યે શું?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે
જલન માતરી

વા...હ જલન સાહેબ વા...હ
મૃત્યુ સનાતન સત્ય છે. જલન સાહેબે આ વાત સાવ સરળ શબ્દોમાં કહી છે. સામાન્ય રીતે લોકો સારા કાર્યો કે સફળતાનું અનુસરણ કરે છે. આ વાતનો આધાર લઈને મૃત્યુનું સનાતન સત્ય રજૂ થયું છે. જે અવતરે છે નિશ્ચિત મૃત્યુ લઈને અવતરે છે. પણ નિશ્ચિત મૃત્યુને અનુસરણ સાથે સરખાવી શાયરે શેરને ઊત્તમ શ્રેણીનો બનાવી દીધો છે. જગતનો દરેક માનવી અન્ય કોઈ કાર્યનું અનુસરણ કરે કે ન કરે. મૃત્યુનું અનુસરણ જરૂર કરે છે.

દૈનિક 'જયહિંદ'માં તા.૧।૧।૨૦૧૨ ના દિવસે મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

પાણીદાર સંબંધ

સંબંધ પાણીદાર રહ્યો આપણો સદા
સૂકાઈ ગઈ નદી તો આ નયનો સજળ રહ્યા
રઈશ મનીયાર

ખૂબ જ ધારદાર શેર છે. શાયરે પાણીદાર શબ્દનો બહુ જ ખૂબીપૂર્વક કલાત્મક અને અલંકારિક ઉપયોગ કર્યો છે. પાણીદાર એટલે તેજવાળું, પ્રભાવી.

શાયરની ખૂબી જુઓ. એમણે સંબંધને સદાય પાણીદાર કહ્યો છે. પહેલા મિસરામાં આ વાતને રજૂ કર્યા પછી બીજા મિસરામાં સુકાઈ ગઈ નદી.... શબ્દો દ્વારા તૂટેલા કે વિયોગ પામેલા સંબંધ તરફ ઈશારો કરી પાણીદાર સંબંધનું બીજું સ્વરૂપ છતું કર્યું છે. જ્યારે નદી સુકાઈ ન હતી ત્યારે સંબંધ મિલનનાં પાણીથી છલોછલ હતો. વિયોગ પછી આંખ પાણીથી છલોછલ થઈ. બંને ઘટનામાં સંબંધ 'પાણીદાર' જ રહ્યો.

તા.૫।૨।૧૨ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

તડપ બઢાઈ ગઈ

યહ જમીં જિસ કદર સજાઈ ગઈ
જિન્દગી કી તડપ બઢાઈ ગઈ
સાહિર લુધિયાનવી

સાહિરને બાગી શાયર કહેવાય છે. એમણે લખેલા ગીતો ગઝલો નજમો યાદગાર છે. ઔરતને જનમ દીયા મરદોં કો, મરદોંને ઉસે બાજાર દીયા, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ; આ રચનાઓ સાહિરના મિજાજનો ખ્યાલ આપે છે. ઊપરોક્ત શેરમાં પણ એમણે વિદ્રોહી મિજાજ બતાવ્યો છે.
આજ સુધી માનવે જે વિકાસ કર્યો છે એણે જીવનમાં મુશ્કેલીઓ વધારી છે. વિકાસના નામે માનવી ભૌતિક સગવડ
ો વધારી રહ્યો છે. ભૌતિક સગવડોના વધારાને વિકાસ સમજી રહ્યો છે. ઘરમાં ફ્રીજ, એસીનું આવવું પ્રગતિ ગણાય છે. વાસ્તવિકતાએ છે કે ભૌતિક સાધનો સમસ્યાઓના જનક છે. દસ માનવી જેટલું કાર્ય એક યંત્ર કરી દે તો નવ વ્યક્તિ તો બેકાર જ થયાને? આજની સૌથી મોટી સમસ્યા બેકારીના પાયામાં યાંત્રિક સાધનો થયા કે નહીં? તમારી આજુબાજુ આવા અસંખ્ય ઊદાહરણો મળી જશે. જે 'વિકાસ'ના દુષ્પરિણામો છે. બાળકોમાં ચરબીના વધેલા થર જોવા મળે છે? ચશ્માવાળા વ્યક્તિઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે? માનસિક રોગીઓની સંખ્યા વધી રહી છે. ડિપ્રેશનનાં, આત્મહત્યાનાં (હવે તો કુટુંબો સામૂહિક આત્મહત્યા કરે છે) કિસ્સા વધી રહ્યાં છે. કેમ? કારણ કે વિકાસે સરળતા અને સાદગીને દેશવટો આપી દીધો છે. સંઘર્ષ વધી ગયો છે.

તા.૧૧।૩।૨૦૧૨ના દિવસે 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

મનુષ્યતા

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી
ભગવતીકુમાર શર્મા
 
ગણવેશ એટલે નક્કી કરેલો પહેરવેશ. તમને ખબર હશે કે સમાજના લગભગ દરેક વર્ગ માટે ખાસ પ્રકારના, ખાસ રંગના ગણવેશ નક્કી કરાયેલા છે. ખાસ કરીને માનવી વ્યવસાયમાં કાર્યરત હોય ત્યારે એ ગણવેશમાં હોય છે. ઘણા વ્યવસાય કે સેવાઓ એવા છે કે ગણવેશમાં ન હોવું; ગેરશિસ્ત મનાય છે. પોલીસો માટે ખાખી કે બ્લ્યુ વર્દી, વકીલો માટે કાળો કોટ નક્કી કરાયેલા છે. ડોક્ટરો, નર્સો તથા એરફોર્સ માટે સફેદ, કુલી માટે લાલ, પાયદળ માટે લીલોતરીને મળતા રંગનો ગણવેશ નક્કી કરાયેલા છે. દરેક સ્કૂલનો પોતાનો આગવો ગણવેશ હોય છે. ઓફીસો શોરૂમોમાં કર્મચારીઓ અને સેલ્સમેનોના વસ્ત્રો સરખા હોય છે. ગણવેશ માનવીનો વ્યવસાય અથવા સામાજીક દરજ્જો દર્શાવે છે પણ દર્શાવે એવા ગણવેશનું નિર્માણ થયુ નથી. માનવતા ગણવેશની મોહતાજ નથી. એ એક સમ્રાટમાં અને એક ફકીરમાં પણ હોઈ શકે છે. બંનેમાં ન હોય એવું ય હોઈ શકે.
ટૂંકમાં ગણવેશ કે અન્ય બાહ્ય દેખાવ માનવીનો દરજજો વ્યક્ત કરી શકે પણ માનવતાને વ્યક્ત ન કરી શકે.
તા.૨૮।૧૦।૨૦૧૦ના રોજ જયહિન્દમાં મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

સ્પર્શ

ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ ગભરાય છે
એને રૂઝાયેલા જખ્મો યાદ એવી જાય છે
સૈફ પાલનપુરી

ઉપરોક્ત મત્લો 'દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીવે છે' કહેવતના ભાવાર્થને રજૂ કરે છે. મન ભૂતકાળમાં મળેલી વેદનાનાં કારણે ફૂલોને સ્પર્શ કરતાં ય ગભરાય છે, ડરે છે કે ક્યાંક નવી વેદના ન મળે. શરીર પર લાગેલા ઘા રૂઝાઈ જાય છે પણ કાળજે લાગેલા ઘા રૂઝાતા નથી.માનવી કાળજે લાગેલા ઘાની માનસિક અસરમાંથી કદી મુક્ત થઈ શકતો નથી.

કેટલો નજીક છે આ દૂરનો સંબંધ પણ
હું હસું છું એકલો, એકલા એ શરમાય છે

આ શેરમાં જે પ્રકારના પ્રેમનું વર્ણન છે તે આજે 'આઉટ ઓફ ડેટ' ગણાય છે. જોકે એક જમાનામાં પ્રેમની આ સદાબહાર રીત હતી. નજર મળતાં જ હૈયામાં ઉપવન ખીલી જતાં. નજરોથી એકરાર થઈ જતો.બંને પાત્ર અનેકવાર સામસામેથી પસાર થઈ જતા પણ શબ્દોને ટપાલી બનાવી હૈયાનો સંદેશો મોકલવાની હીંમત થતી નહીં. શારીરિક રીતે દૂર પણ 'પ્રેમિક' રીતે નજીક એવા પ્રેમીજનોની વાત ઉપરોક્ત શેરમાં વણાઈ છે.

જયહિંન્દમાં મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં તા.૧૧।૧૨।૨૦૧૧ના દિવસે છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

વિરહની રાત


આ વિરહની રાત છે તારીખનું પાનું નથી
અહીં દિવસ બદલાય છે તો આખો યુગ બદલાય છે
સૈફ પાલનપુરી

તારીખનું પાનુ બદલાવું એટલે ચોવીસ કલાક થવા. જેણે પ્રીત કરી છે, વિરહની પાનખર ભોગવી છે એને ખબર હોય છે કે તારીખના એક પાનામાં કેટલા યુગ સમાયેલા હોય છે. બલ્કે એક એક ક્ષણમાં હજાર હજાર યુગ હોય છે. એક એક યુગ કેવી રીતે અને કેટલો આકરો વીતે છે એ હકીકત વિરહની વેદના ભોગવનાર જ જાણે છે. કવિ સૈફ પાલનપુરીએ વિરહકાળને ર
ાત સાથે સરખાવ્યો છે. રાત કાળી અંધારી હોય છે. દુખી માનવી માટે રાત પસાર કરવી ખૂબ જ મુશ્કેલ કાર્ય છે કારણ કે માનવી રાત્રે દિવસની જેમ વ્યસ્ત નથી હોતો. દિલ પર પડેલા ઘા એને ઊંઘવા નથી દેતા અને અંધારી રાત જાગવા નથી દેતી.

એક પ્રણાલિકા નભાવું છું લખું છું 'સૈફ' હું
બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જીવાય છે

આ શેરમાં કવિએ વાસ્તવિક જીવન અને કાવ્યમાં દર્શાવાતા જીવન વચ્ચે ભેદ હોય છે એની વાત કરી છે. કાવ્યમાં જે આદર્શ સમાજ, રાષ્ટ્ર, વિશ્વ અને વ્યવસ્થાનું ચિત્રણ હોય છે તે વાસ્તવમાં ક્યાંય દેખાતું નથી.

દૈનિક જયહિન્દમાં મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં તા.૧૧।૧૨।૨૦૧૧ ના રોજ છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

આત્મ ચેતના

જેને વૈભવ મળે અંદરથી;
બહારથી એ ફકીર લાગે છે
ગૌરાંગ ડી. ઠાકર
 
જેની આત્મચેતના જાગૃત થઈ જાય છે એને બાહ્ય વૈભવ અર્થહીન લાગે છે. મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે આત્મ ચેતના, અંદરનો વૈભવ છે શુઁ?

આત્મ ચેતના વિશે ઘણા મત મતાંતર છે.મારા મતે જગતની ક્ષણભંગુરતાનો અનુભવ થયા પછી પણ જે કાર્ય કરવાના છે. તે કરવાના પ્રયત્નો કરવા એ જ આત્મ ચેતના છે. એક મત એવો છે જે વિચારે છે. જો બધું એક દિવસ નષ્ટ થવાનું છે તો શું કા

મ બધી લમણાઝીંક કરવી? કોના માટે કરવી? ઠીક છે બધું નષ્ટ થવાનું છે પણ નષ્ટ થાય ત્યાં સુધી તો રહેવાનુ છે. મને ખબર છે મારે એક દિવસ મરવાનું છે તેથી હું શ્વાસ લેવાનું ન છોડી શકું. છોડી શકું? ના, નહીંતર કાલે મરતો આજે મરીશ.

ટૂંકમાં નશ્વર જગતની ક્ષણભંગુરતાને અનુભવવા જાણવા સમજવા છતાં કાર્ય કરવાની ભાવના રાખવી; મારા મતે એ જ સાચી આત્મ ચેતના છે

૨૫।૧૨।૨૦૧૧ ના દિવસે દૈનિક જયહિંન્દમાં મારી કોલમ 'અર્જ કરતે હૈં' છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

ગુરુવાર, 8 નવેમ્બર, 2012

સ્મૃતિઓ

એક પંખી આંખમાં આવી અને ટહુક્યા કરે
પોપચામાં એક વીતેલો સમય પલળ્યા કરે
યોસેફ મેકવાન
કેટલીક યાદો હંમેશા માનવીની આંખોને ભીની કરે છે. કવિ યોસેફ મેકવાને સ્મૃતિઓને
પંખી સાથે સરખાવી છે. વિશાળ આકાશમાં નાનકડું પંખી એમ વિશાળ જીવનમાં નાનકડી યાદ. યાદને વાગોળવી એટલે પંખીનું ટહુકવું. યાદ આવે પછી આંખ ભીની થાય એ વાતને કવિએ વીતેલો સમય પલળ્યા કરે શબ્દો દ્વારા ખૂબ કલાત્મક રીતે રજૂ કરી છે
યાદો માનવ જીવનનું મહત્વપૂર્ણ અને અભિન્ન અંગ છે. તે માનવને હસાવે છે, રડાવે છે, ઉન્માદી બનાવે છે તો શાંત પણ કરે છે. જરા વિચારો જોઈયે યાદો વિનાનું જીવન કેવું હોત? માનવીને ભૂતકાળ યાદ ન રહેતો હોત તો?

નડતર

બીજાના માટે હું કદી નડતરનહીં બનું
આવે જે ઠોકરોમાં એ પત્થર નહીં બનું
મઝહર ફારુકી

શાયરે ગા-ગાલગાલ-ગાલલગા-ગાલગાલ-ગા
માત્રા બંધારણમાં ઘણો જ ઉચ્ચ વિચાર એકદમ સરળ શબ્દોમાં રજૂ કર્યો છે. માણસે જીવનમાં કોઈને નડવું નહીં. જીવનમાં એવા કાર્યો કદી ય ન કરવા જેથી કોઈને તકલીફ થાય.જે વ્યક્તિ અન્યને નડે છે એનો અંજામ શું થાય છે, એ પણ શાયરે સંકેતમાં જણાવી દીધું છે. "આવે જે ઠોકરોમાં..."પંક્તિ દ્વારા શાયર જણાવે છ

ે કે વ્યક્તિ અન્યોને નડે છે.
કોઈ એની કદર કરતુ નથી.

અશ્રુ બનીને માટીમાં મળવું કબૂલ છે
રોળી કોઈનાં રત્ન હું ગવહર નહીં બનું

શાયર કહે છે મારા આંસુ ભલે માટીમાં મળે મને પરવા નથી.

મારા શમણાં રોળાઇ જાય એ મને મંજૂર છે; પણ
અન્યના શમણાને રોળી કે અન્યની બરબાદી પર હું
સફળતાના મહેલ નહીં ચણું. મને ભલે સફળતા ન મળે પણ અન્યોની નિષ્ફળતાનું કારણ નહીં બનું.

નાનું પરંતુ મીઠું સરોવર બનીશ હું
ઠારી શકે ન પ્યાસ એ સાગર નહીં બનું

આ શેરમાં પણ સુંદર વિચાર રજૂ થયો છે.મીઠા પાણીનું સરોવર ભલે સાગર જેટલું વિશાળ ન હોય પણ એ લાખો જીવોની તરસ છીપાવે છે, જ્યારે સાગર? વિશાળ હોવા છતાં કોઈની તરસને સંતોષતો નથી. વ્યક્તિ મોટો બને એ મહત્વપૂર્ણ નથી પણ કેટલાને ઉપયોગી થાય છે એ મહત્વપૂર્ણ છે. કેટલા જીવનને સુખદાયક બનાવે છે; આનંદદાયક બનાવે છે; કેટલાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે: એ મહત્વપૂર્ણ છે.
 
અભણ અમદાવાદી
તા.4/7/2010 ના દિવસે જયહિંદ દૈનિકમાં મારી કોલમ
"અર્જ કરતે હૈ" માં છપાયેલા લેખ નો અંશ

તરસ

તરસનું રણ તમારે કંઠ ફેલ્યાનું કહ્યું લૂ એ;
અમે ખોબા મહીં પીધા વગરની વાવ લઈને દોડ્યા.
કરશનદાસ લુહાર

કવિતાઓમાં રણનું પ્રતિક અભાવ, ફળદ્રુપ ન હોવાના ભાવને વ્યક્ત કરવા વપરાય છે. રણમાં ચાલતી ગરમ હવાઓને લૂ કહેવાય છે જે મોતનું કારણ બને છે. અહીં એ જ ગરમ હવાઓએ કોઈને બચાવવા માટે પ્રયાસ કર્યો છે. પ્રથમ પંક્તિ કહે છે "હવાઓ એવી ખબર લાવી છે જે રણ જેવી છે" રણની તરસ કેવી હોય? કદી ન સંતોષાય એવી. રણની તરસને સંત

ોષે એટલો વરસાદ ત્યાં પડતો નથી. બલ્કે વરસાદનો અભાવ જ રણનું સર્જન કરે છે.
જેને સમાચાર મળ્યા છે એ વ્યક્તિ પીધા વગરની વાવ ખોબામાં લઈ દોડે છે. ખોબો એટલે તો સમજ્યા કે ઓછી સગવડ ટાંચી વ્યવસ્થા પણ પીધા વગરની વાવ એટલે શું?
આ શબ્દ દ્વારા કવિ કદાચ એવા સાધન તરફ સંકેત કરવા માંગે છે જેનો કદી ઊપયોગ નથી થયો.

અભણ અમદાવાદી
દૈનિક જયહિન્દ માં ૬।૧૧।૨૦૧૧ ના દિવસે મારી કોલમ 'અર્જ કરતે હૈં' માં છપાયેલા લેખનો અંશ