રવિવાર, 22 એપ્રિલ, 2012

છંદ વિષે પ્રશ્ન / પ્રશ્નનો જવાબ

મારું છંદનું જ્ઞાન સાવ અછંદ છે એટલે એમાં નહિ પડું.જોકે તમે તમે જે શેર સહુથી પહેલો ટાંક્યો છે તે ગઝલના કયા છંદમાં છે તેવો એક સહજ પ્રશ્ન મને થયો. ભાષાના છંદનું જ્ઞાન હોવું એ આવકાર્ય અને તે માટે સંપૂર્ણતા (પરફેક્શન)નો આગ્રહ રાખવો તે પણ યોગ્ય છે. પણ ગઝલો જો માત્ર ટેકનીક થી જ લખાતી હોત કે લખી શકાતી હોત તો તે લખવામાં કે વાંચવામાં ભાષાના શિક્ષકો કે વિદ્યાર્થીઓ સુધી જ સીમિત રહી હોત. છંદમાં લખનારો શાયર પણ ગઝલ સંભળાવે છે ત્યારે તે " આ ફલાણા છંદમાં છે તેમ કહેતો નથી" એનો અર્થ એ થયો કે સહુ પ્રથમ તો ભાવ અગત્યનો બને છે. લય એ ભાવનો વાહક માત્ર છે અને એ ચોક્કસ જ હોય તે જરૂરી નથી એમ મને લાગે છે. એ જે તે ગઝલ છંદના બંધારણમાં જ હોય તે પણ જરૂરી નથી. હું ક્યારેય છંદમાં નથી લખતો. અરે મને તો એ પણ નથી ખબર. આ છંદના નામ કયા છે પણ તેથી કઈ ભાવ મટી જતો નથી અને કૃતિના ભાવના ભોગે તેને છંદ બદ્ધ કરવી કે તેને માટે સંપૂર્ણતા નો આગ્રહ રાખવો એ તેને જકડવા બરાબર છે એમ મને લાગે છે. છંદ વગર સાહિત્ય નહિ એવું જ હોત તો કોઈપણ અછાંદસ કૃતિઓ રચાઈ જ ન હોત. તમે ટેકનીક સમજાવવામાં છંદ અને ભાવની ભેળસેળ પણ નાહક કરી છે એમ મને લાગે છે.

બીજું મને તમારું ઉદાહરણ કઠયું. તમે ગઝલના છંદની વાત કરો છો ને તેને શર્ટની બાંય, બટન સાથે સરખાવો કે સમજાવો છો તે જરા વધુ પડતું લાગે છે.આપણે ગમે તેટલા સુઘડ રહેતા હોઈએ તોય આપણને ફિલ્મોમાં લઘર વઘર રહેતો હીરો કેમ ગમે છે ? કેમ કે આપણે ત્યારે એનો વેશ નહિ પણ એનો ભાવ જોઈએ છીએ.

ભાષામાં પરફેક્શન ના આગ્રહ નું એક નુકશાન એ પણ છે કે તે ભાષાનો વિકાસ અટકાવી શકે છે..અત્યારે ગઝલ શાસ્ત્રમાં જે છંદ હશે તે કંઈ ઉપરથી ટપક્યા હશે ? ના, પોતાના ભાવ અભિવ્યક્ત કરવા મથતા લોકો એ લય શોધતા શોધતા જ બનાવ્યા હશે ને..? તો પછી શકય છે કે તમે જેને પરફેક્શન થી અલિપ્ત ગણો છો તેમાંથી પણ કોઈ પોતે પોતાનો નવો છંદ બનાવે ! અને ન બનાવે તો પણ ગા લ ગા ..તૂટતા હોવા છતાં ગઝલના ભાવ ના બળે એ તરી જાય સામે પાર. મારા મતે જે લય મળે તેમાં કે લય ન મળે તો પણ લખવું એ જ ભાષાની અને વ્યક્તિની પોતાની મોટી સેવા છે. ભાવમાં જોર હશે તો લય તો એની મેળે મળી જ રહેવાનો છે.બંધારણમાં ઓગણીસ વીસ હશે તો પણ એ ખોટું નથી. ટૂંકમાં છંદની ટેકનીક ના જોરે જો ગઝલકાર થઇ શકાતું હોત તો ગઝલ પર અંબાણી કે અદાણીની પેટેન્ટ હોત !

રહી વાત હવે સાહિત્યક મુલ્ય ની. આ જરા અઘરો વિષય છે મારા માટે. તમે જો છંદ શાસ્ત્ર ના આધારે સેન્ટીમીટર કે ઇંચ માપવાના હો તો હા એનું મુલ્ય કોડી નું..પણ જો તમે એ જ માપદંડને ભાવ સાથે મુકો તો એનું મુલ્ય લાખનું થઇ શકે. આપણા વિવેચકોએ જયારે મેઘાણીને પણ સાહિત્યકાર નથી ગણ્યા ને કેટલાક ઉત્સાહી જીવો તો અછાંદસ ને સાહિત્ય જ નથી ગણતા ત્યારે આને મૂલવશું કેમ ?

આ લખીને મેં કોઈ પાઘડી નથી પહેરી એટલું તો ચોક્કસ માનશો જ. આભાર.

-મેહુલ

લેખના પ્રારંભે જે શેર લખ્યો હતો એ રમલ-૧૯ છંદમાં લખાયેલો શેર છે. મને લાગે છે તમે વિકાસ પ્રિય વ્યક્તિ છો. તેથી જ તમને પરફેક્શન નો આગ્રહ યોગ્ય લાગે છે. મિત્ર તમે જે વિચાર સ્થાને છો એક સમયે હું પણ ત્યાંજ હતો.  મને પણ લાગતું કે ભાવને બંધારણના પાંજરામાં પુરાય? મેં તો આ વિષય પર તર્કો સાથેની કવિતા પણ લખી હતી. એ કાવ્યનું મુખડું અહી રજુ કરું છું.

રચનાઓને ગઝલ કહેવી કે ગીત છંદ કહેવી કે મુક્તક, હું નથી જાણતો
એ બધી છે બંધારણીય આંટીઘૂંટી, 'બંધારણ' કોને કહેવાય હું નથી જાણતો
એક બીજી ય રચના કરી હતી

બંધારણનાં.બંધનમાં હું નથી બંધાતો
પધ્ધતિની જાળમાં હું નથી અટવાતો
મુક્ત પંખી છું હું, ખુલ્લા આકાશનું
સંગ્રહાલય નાં પિંજરે,ભાવ નથી સચવાતો

તમે સાચું કહ્યું છે કોઈ પણ પ્રકારની સાહિત્યિક રચના માટે ભાવ એ પ્રથમ જરૂરિયાત છે. ગઝલો માત્ર ટેકનીક થી નથી લખતી પણ સાચું છે.પણ મિત્ર મેં મારા લેખમાં એવું ક્યાંય નથી લખ્યું કે ગઝલો માત્ર ટેકનીક થી લખાય છે. છંદોબદ્ધ ગઝલ લખનારા કવિ કે શાયરે પઠન સમયે મહેફિલ ને ગઝલ કયા છંદમાં છે એ બતાવવાની જરૂર પણ નથી.કારણ કે શ્રોતાઓને સારી ગઝલ સાથે મતલબ છે. જેમ જમનારા ને સારા ભોજન સાથે મતલબ હોય છે. શાકમાં કયા મસાલા કેટલા પ્રમાણમાં નાખ્યા? કે રોટલી કેટલા ટપકારે થઇ? એની સાથે નહિ. તો પછી છંદનું મહત્વ શું? છંદ કોના માટે બન્યા છે? આ પ્રશ્નોનાં જવાબ જાણતા પહેલા છંદ કોને કહેવાય એની સરળ વ્યાખ્યા જાણી લઈએ. પંક્તિઓને સરળતાથી ગાઈ શકાય કે પઠન કરી શકાય માટે બનેલા નીતિ નિયમો એટલે છંદ.આને છંદો માટેની આ સરળ માં સરળ વ્યાખ્યા કહી શકાય. હા કાવ્ય લખવા માટે છંદ શીખીએ કે ન શીખીએ પણ ભાષાની ટેકનીક તો શીખવી જ પડે. નહીતર અર્થનો અનર્થ થતા વાર નથી લાગતી.

મેં ગઝલનાં છંદો ને બાંય કે બટન સાથે નથી સરખાવ્યા પણ સુઘડતા, સ્વચ્છતા, અને કલા પ્રિયતા વગેરે આપણને ગમે છે એ દર્શાવવા માટે ઉદાહરણો આપ્યા છે. તમે લખ્યું છે "આપણને ફિલ્મોમાં લઘર-વઘર હીરો ગમે છે કેમ કે આપણે ત્યારે એનો વેશ નહિ ભાવ જોઈએ છીએ" તો મિત્ર તમે જરા ધ્યાન આપજો, રીસર્ચ કરજો. હીરો, હિરોઈન અને અન્ય પાત્રોનાં વસ્ત્રો દ્રશ્ય અને પરિસ્થિતિને અનુરૂપ જ હોય છે. અમુક ઉદાહરણો જુઓ, કુછ કુછ હોતા હૈ માં કોલેજ લાઈફ ની બિન્દાસ્ત કાજોલ અને પછી ની કાજોલ ની વેશભૂષા માં ફેર છે. હોરર કે થ્રીલર ફિલ્મોમાં ભટકતી આત્મા સફેદ કે કળા વસ્ત્રોમાં જ હોય છે. રોકસ્ટાર માં કોલેજકાળના રણબીર અને રોકસ્ટાર રણબીર ના વસ્ત્રોમાં ફેર નોંધ્યો?આવું કેમ? કારણ ટેકનીક: ભાવોને, પરિસ્થિતિને, દ્રશ્ય અનુરૂપ વસ્ત્રો હોય[અન્ય ફર્નીચર વગેરે પણ] તો એક માનવીના વિચારો બીજા સુધી જલ્દી અને સરળતાથી પહોંચે છે. ટેકનીક વિચારોનું વહન કરવામાં સહાય કરે છે.

ભાષાના પરફેક્શન નો આગ્રહ એના વિકાસને કેવી રીતે રોકી શકે? આપણે જે મુદ્દા પ્રત્યે જાગ્રત હોઈએ એ પ્રત્યે વધારે ધ્યાન આપીએ છીએ. પરફેક્શન ના આગ્રહનો મતલબ જ એ છે કે આપણે કાર્યને વધુમાં વધુ સુંદર, આકર્ષક અને લોકોને ગમે એવું કરવા માંગીએ છીએ.

છંદ ઉપરથી નથી પડ્યા એ સત્ય છે.માનવીની સદીઓની સાહિત્ય સાધનાનું પરિણામ છે. છંદમાં લખો ન લખો એ મરજીની વાત છે. હા, તમે અંબાણી અને અદાણીની વાત કહી.તેઓ એમના કાર્ય; બિજનેસ ની ટેકનીક માં પાવરધા છે એટલે જ 'અંબાણી' અને 'અદાણી' છે.

છેલ્લે સાહિત્યિક મૂલ્યના મુદ્દાને તમે સ્પર્શ્યો નથી એટલે હું ય નથી સ્પર્શતો. મને નથી ખબર તમારા પ્રશ્નોનું સમાધાન થયું કે નહિ. પણ તમે મને પ્રશ્નો પૂછી આ મુદ્દા વિષે લખવા પ્રેર્યો તે બદલ આભાર.
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો