બુધવાર, 19 ડિસેમ્બર, 2012

મુંઝારો

 આવીને આંગળીમાં ટકોરા રહી ગયા
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે
મરીઝ

ઘણી વાર વાત હોઠે આવીને અટકી જાય છે. મન મુંઝાઈ જાય છે. કહું? કે ના કહું? વ્યક્ત થાઉ કે ના થાઉં? મારી વાતનો, મુદ્દાનો, વિષયનો, પ્રણય પ્રસ્તાવનો અસ્વીકાર થશે તો? વ્યક્તિ અસ્વીકૃતિથી ડરે છે. મરીઝે અસ્વીકૃતિના ડરને બીજી પંક્તિમાં બંધ દ્વાર શબ્દ દ્વારા વ્યક્ત કર્યો હોય એવું લાગે છે.

દુનિયામાં કંઈકનો હું કરજદાર છું 'મરીઝ'
ચુકવું બધાનં દેણ જો અલ્લાહ ઉધાર દે

જેના પર પ્રભુની મહેર થાય છે. તે કોઈનો કરજદાર નથી રહેતો. પ્રભુની મહેર ન હોય તો માનવી ગમે તેનો કરજદાર થઈ શકે છે.

તા.22।4।2012ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

સોમવાર, 17 ડિસેમ્બર, 2012

કચ્ચે લોગ

આઈને સે બિગડ બૈઠે
જિન કી સૂરત જિન્હેં દિખાઈ ગઈ
સાહિર લુધિયાનવી

વ્યક્તિ સત્યનો સામનો નથી કરી શકતો. લોકો સત્યથી રૂબરૂ કરાવનાર વ્યક્તિથી જ રિસાઈ જાય છે.

આ હકીકતને પત્રકારો, લેખકો, કવિઓથી વધારે સારી રીતે કોણ સમજી શકે? આ લોકો સમાજમાં વ્યાપ્ત ષડયંત્રો, કૌભાંડો, ગેરવ્યવસ્થાને ખુલ્લા પાડે છે. ત્યારે એમાં સંડોવાયેલા લોકો આમનાથી રિસાઈ જાય છે. ક્યારેક એવું ય બને છે. સંડોવાયેલાઓ આઈનાને તોડી પણ નાંખે છે.

તા.૧૧।૦૩।૨૦૧૨ના દિવસે દૈનિક 'જયહિંન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

હાજરી

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે
મરીઝ

સંબંધો સતત હાજરી, કર્મઠતા, મેળ-મુલાકાતો જેવા વિવિધ કારણોસર સચવાય છે. માણસ ત્યાં જવું પસંદ કરે છે જ્યાં ઉષ્માભર્યો આવકાર મળે. આવકાર ન મળે ત્યાં જવું કોઈને પસંદ પડતું નથી. આ વાતનો ટેકો લઈ શાયરે પીઠામાં જવાની વાતને ઉચિત ઠરાવવાનો પ્રયાસ કર્યો છે. પ્રાર્થના સ્થળોએ કોઈ હોય છે જે આવકારે? જ્યારે પીઠામાં આવકારનારા તો ઘણા મળી જા
ય છે. પ્રાર્થના સ્થળો પ્રભુના ધામ હોય છે માટે સૌના હોય છે. સૌના હોય છે. તે સરવાળે કોઈના નથી હોતા.

પીઠામાં માણસ વિશિષ્ટ માનસિક અવસ્થાએ પહોંચી જાય છે. મન ખોલી દે છે. સુખ દુ:ખ વ્યથા કથા ગમો અણગમો લડાઈ ઝઘડા તમામ લાગણીઓની ખુલ્લા દિલે આપ લે કરે છે. પ્રાર્થના સ્થળે માણસ ફક્ત યાચક બનીને જાય છે.

તા.22।04।2012ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

રવિવાર, 16 ડિસેમ્બર, 2012

ઢોંગ

અદાવત દિલમેં રખતે હૈં મગર યારી દિખાતે હૈં
ન જાને લોગ ભી ક્યા ક્યા અદાકારી દિખાતે હૈં
વીરેન્દ્ર ખરે 'અકેલા'

હિન્દીમાં 'મુખ મેં રામ બગલ મેં છુરી' કહેવત છે. કવિએ તે કહેવતના અર્થને મત્લામાં વ્યક્ત કર્યો છે. કવિના મતે જગતના લોકો ઉત્તમ અભિનેતા છે. મનમાં દ્વેષ હોય, વેર ઝેર, ઈર્ષા, અદેખાઈ હોય પણ ઉપરથી હસતું મોં રાખે. મનોમન શ્રાપ આપતા હોય ઉપરથી મધઝરતા શબ્દોમાં વાત કરે.

અભિનય શું છે? નક્કી કરેલ ચોક્કસ લાગણીને ચોક્કસ સ્થાને ચોક્કસ પળે ચોક્કસ અંદાજમાં વ્યક્ત કરવાની કળાનું નામ અભિનય. તમને વાસ્તવિક જીવનમાં ઉત્તમ કક્ષાના ઘણા અભિનેતા મળી જશે. જે ઉપર મુજબનો ઢોંગ કરે છે

તા.13।05।2012ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

કાગળનો બગીચો

ઊલઝના હૈ હમેં બંજર જમીનોં સે હકીકત સે
ઉન્હેં ક્યા, વો તો બસ કાગઝ પે ફૂલવારી દિખાતે હૈં
વીરેન્દ્ર ખેર 'અકેલા'

આ શેરમાં નેતાઓ તરફ સીધો સંકેત નથી. જો કે મને આ શેર નેતાઓના ચુંટણી વચનો વિષયક લાગે છે.

ચુંટણી વેળા નેતાઓ પાર વગરના વચનો આપે છે. નાણાકીય વાસ્તવિકતાને જાણ્યા સમજ્યા વગર વચનો ઝીંકે રાખે છે. વચનો આપવામાં શું જાય છે? તકલીફ તે અધિકારી વર્ગને પડે છે. જેણે વચનોને સાકાર કરવા માટે ઝઝૂમવું પડે છે. ખજાનો ખાલી છે આ હકીકત જાણતો હોવા છતાં અધિકારી વર્ગે નેતાઓના વચનો માટે લોહી પરસેવો એક કરવો પડે છે. ખાલી ખજાનો એટલે જાણે કે બિન ફળદ્રુપ જમીન. એ જમીન પર અધિકારી વર્ગે ખેતી કરવાની હોય છે.

તા.13।05।2012ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ અભણ અમદાવાદી

ગુરુવાર, 13 ડિસેમ્બર, 2012

કાચા માણસો


સાર્થક જીવન


સાર્થક જીવન
આજ નહીં તો કલ દે
પેડ વહી જો ફલ દે
અશ્વિનીકુમાર પાંડે

અશ્વિનીકુમાર પાંડેના દોહા, ગઝલો ઉચ્ચ કક્ષાના હોય છે. એમની રચનાઓમાં સામાજીક સંદેશ હોય છે. પ્રસ્તુત મત્લામાં કવિએ શાશ્વત સત્યની રજુઆત કરી છે.જે વૃક્ષ ફળ આપે તે ઉપયોગી છે.અહીં ફળ શબ્દના અર્થને વિસ્તૃત કરીને સમજીએ ત્યારે શેર વધારે અર્થપૂર્ણ જણાય છે. વૃક્ષ પર પાકે એ તો ફળ હોય જ છે પણ વૃક્ષનો છાંયડો પણ એક પ્રકારનું ફળ છે.

માનવીએ સમાજ,શહેર,રાષ્ટ્રને ઉપયોગી થાય તેવું જીવન જીવવું જોઈએ.વૃક્ષની જેમ સમાજને કંઈક આપીએ તો જીવન સાર્થક થયું ગણાય.નહીંતર એક જુના દોહા જેવું જીવન જીવ્યું ગણાય.

બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજુર
પથિક કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર

તા।૯।૧૨।૨૦૧૨ના રોજ દૈનિક 'જયહિંદ'માં મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

ગુરુવાર, 15 નવેમ્બર, 2012

હાજરી

સિંહોના હુંકાર વચ્ચે ચીં ચીં લઈને આવી છું
નોખી મારી ભાત નોખી લીટી લઈને આવી છું
પારુલ ખખ્ખર

વિદ્વાનોની વચ્ચે સામાન્ય જને પોતાની હાજરી પુરાવવાની વાત કરે છે.કવિયત્રીએ સિંહ અને ચકલી એ બે પ્રતિકો દ્વારા મુદ્દો રજૂ કર્યો છે.સિંહોની હુંકાર દ્વારા વિદ્વાનો મોટા માણસો મહારથીઓની વિદ્વતા સમર્થતાને રજૂ કરી છે.ચકલીની ચીં ચી દ્વારા સામાન્ય માનવીના પક્ષ ની રજૂઆત કરી છે. સામાન્ય માણસ પાસે પણ કંઈ ખ વિશેષ છે,હોય છે.એમ કવિયત્રી જણાવે છે. નોખી મારી ભાત નોખી લીટી દ્વારા સામાન્ય માનવીની વિદ્વતા રજૂ કરી છે.

તા.૧૭/૬/૧૨ના દિવસે જયહિંદમાં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલો લેખનો અંશ
અભણ અમદાવાદી

સોમવાર, 12 નવેમ્બર, 2012

ધીરજ

માર્ગ રચનારા બધાની ખંત દેખાશે તને
સ્હેજ ધીરજ ધર સફરનો અંત દેખાશે તને
ડો. ઉર્વીશ વસાવડા
  
મને આ શેરનો પ્રથમ મિસરો બહુ ગમ્યો છે.મિસરામાં એવી વ્યક્તિઓ વિશે વાત કરાઈ છે જેમના વિશે લોકો વિચારતા નથી.તમે જે રસ્તે પસાર થઈ મંઝીલે પહોંચો છો તે કોણે બનાવ્યો? કયારે બન્યો? કેટલા જણનો પરિશ્રમ એમાં શામેલ છે? વગેરે પ્રશ્નો મનમાં ઉદભવે છે?
એક વ્યક્તિ લક્ષ્ય હાંસલ કરે એમાં એના સિવાય કેટલાનો પ્રત્યક્ષ અને પરોક્ષ
ફાળો હોય છે.એક રોડ બને એમાં માર્ગનું આયોજન કરનાર શાસનતંત્ર,શ્રમિકો,કોન્ટ્રાકટર એ બધાનો ફાળો હોય છે.
એક વિદ્યાર્થી ૧૦મા ધોરણની પરીક્ષા પાસ કરે છે ત્યારે કેટલા જણની મહેનત સફળ થાય છે? માતા-પિતા, સ્કૂલનો સ્ટાફ, સ્કૂલ રીક્ષા કે બસનો ડ્રાયવર એમ ઘણાની મહેનત સફળ થાય છે.
ટૂંકમાં એક વ્યક્તિની સફળતા પાછળ અનેકોની મહેનત હોય છે.
બીજા મિસરામાં શાયરે ધીરજપૂર્વક સફર પૂરી કરવાની વાત કરી છે. પ્રવાસી મંઝીલ મેળવે તો જ રસ્તો બનાવનારાઓની મહેનત સફળ થાય છે. પ્રવાસી મંઝીલ ન મેળવે તો રસ્તો બનાવવાનો મતલબ શો?

જયહિંન્દમાં તા.૧૧।૭।૨૦૧૦ ના દિવસે મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

હૌસલા

યૂં સબ કે સામને મેરી ઉડાન કુછ ભી નહીં
જો છૂના ચાહું તો ફિર આસમાન કુછ ભી નહીં
ઋષિપાલ ધીમાન

લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગાનાં ત્રણ આવર્તનમાં લખાયેલો સરસ પ્રેરણાદાયક મત્લો છે. કવિ પોતાની ક્ષમતા સારી રીતે જાણે છે સમજે છે. કવિ નમ્રતાપૂર્વક પોતાની ક્ષમતા વિશે કહે છે અન્યોની સરખામણીમાં મારી કોઈ વિસાત નથી. હું કંઈ જ નથી. બીજી પંકિતમાં ક્ષમતાની રજૂઆત કરે છે. અદ્ભુત રજૂઆત કરે છે. કવિ કહે છે 'જો છૂના...
.' મતલબ મારી ઈચ્છા હોય હું ધારી લઉં તો આકાશ કંઈ જ નથી. આકાશથી ઊંચા ગહન વિશાળ લક્ષ્ય મેળવવા અઘરા નથી.કવિ એ આ પંક્તિઓ દ્વારા કવિઓમાં છુપાયેલી વિલક્ષણ પ્રતિભા તરફ પણ સંકેત કર્યો છે. જ્યાં ન પહોંચે રવિ ત્યા પહોંચે કવિ.
તા.૨૭।૫।૨૦૧૨ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

અનુસરણ

હું જો અનુસરણ ન કરું તો કરું યે શું?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે
જલન માતરી

વા...હ જલન સાહેબ વા...હ
મૃત્યુ સનાતન સત્ય છે. જલન સાહેબે આ વાત સાવ સરળ શબ્દોમાં કહી છે. સામાન્ય રીતે લોકો સારા કાર્યો કે સફળતાનું અનુસરણ કરે છે. આ વાતનો આધાર લઈને મૃત્યુનું સનાતન સત્ય રજૂ થયું છે. જે અવતરે છે નિશ્ચિત મૃત્યુ લઈને અવતરે છે. પણ નિશ્ચિત મૃત્યુને અનુસરણ સાથે સરખાવી શાયરે શેરને ઊત્તમ શ્રેણીનો બનાવી દીધો છે. જગતનો દરેક માનવી અન્ય કોઈ કાર્યનું અનુસરણ કરે કે ન કરે. મૃત્યુનું અનુસરણ જરૂર કરે છે.

દૈનિક 'જયહિંદ'માં તા.૧।૧।૨૦૧૨ ના દિવસે મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

પાણીદાર સંબંધ

સંબંધ પાણીદાર રહ્યો આપણો સદા
સૂકાઈ ગઈ નદી તો આ નયનો સજળ રહ્યા
રઈશ મનીયાર

ખૂબ જ ધારદાર શેર છે. શાયરે પાણીદાર શબ્દનો બહુ જ ખૂબીપૂર્વક કલાત્મક અને અલંકારિક ઉપયોગ કર્યો છે. પાણીદાર એટલે તેજવાળું, પ્રભાવી.

શાયરની ખૂબી જુઓ. એમણે સંબંધને સદાય પાણીદાર કહ્યો છે. પહેલા મિસરામાં આ વાતને રજૂ કર્યા પછી બીજા મિસરામાં સુકાઈ ગઈ નદી.... શબ્દો દ્વારા તૂટેલા કે વિયોગ પામેલા સંબંધ તરફ ઈશારો કરી પાણીદાર સંબંધનું બીજું સ્વરૂપ છતું કર્યું છે. જ્યારે નદી સુકાઈ ન હતી ત્યારે સંબંધ મિલનનાં પાણીથી છલોછલ હતો. વિયોગ પછી આંખ પાણીથી છલોછલ થઈ. બંને ઘટનામાં સંબંધ 'પાણીદાર' જ રહ્યો.

તા.૫।૨।૧૨ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

તડપ બઢાઈ ગઈ

યહ જમીં જિસ કદર સજાઈ ગઈ
જિન્દગી કી તડપ બઢાઈ ગઈ
સાહિર લુધિયાનવી

સાહિરને બાગી શાયર કહેવાય છે. એમણે લખેલા ગીતો ગઝલો નજમો યાદગાર છે. ઔરતને જનમ દીયા મરદોં કો, મરદોંને ઉસે બાજાર દીયા, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ; આ રચનાઓ સાહિરના મિજાજનો ખ્યાલ આપે છે. ઊપરોક્ત શેરમાં પણ એમણે વિદ્રોહી મિજાજ બતાવ્યો છે.
આજ સુધી માનવે જે વિકાસ કર્યો છે એણે જીવનમાં મુશ્કેલીઓ વધારી છે. વિકાસના નામે માનવી ભૌતિક સગવડ
ો વધારી રહ્યો છે. ભૌતિક સગવડોના વધારાને વિકાસ સમજી રહ્યો છે. ઘરમાં ફ્રીજ, એસીનું આવવું પ્રગતિ ગણાય છે. વાસ્તવિકતાએ છે કે ભૌતિક સાધનો સમસ્યાઓના જનક છે. દસ માનવી જેટલું કાર્ય એક યંત્ર કરી દે તો નવ વ્યક્તિ તો બેકાર જ થયાને? આજની સૌથી મોટી સમસ્યા બેકારીના પાયામાં યાંત્રિક સાધનો થયા કે નહીં? તમારી આજુબાજુ આવા અસંખ્ય ઊદાહરણો મળી જશે. જે 'વિકાસ'ના દુષ્પરિણામો છે. બાળકોમાં ચરબીના વધેલા થર જોવા મળે છે? ચશ્માવાળા વ્યક્તિઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે? માનસિક રોગીઓની સંખ્યા વધી રહી છે. ડિપ્રેશનનાં, આત્મહત્યાનાં (હવે તો કુટુંબો સામૂહિક આત્મહત્યા કરે છે) કિસ્સા વધી રહ્યાં છે. કેમ? કારણ કે વિકાસે સરળતા અને સાદગીને દેશવટો આપી દીધો છે. સંઘર્ષ વધી ગયો છે.

તા.૧૧।૩।૨૦૧૨ના દિવસે 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

મનુષ્યતા

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી
ભગવતીકુમાર શર્મા
 
ગણવેશ એટલે નક્કી કરેલો પહેરવેશ. તમને ખબર હશે કે સમાજના લગભગ દરેક વર્ગ માટે ખાસ પ્રકારના, ખાસ રંગના ગણવેશ નક્કી કરાયેલા છે. ખાસ કરીને માનવી વ્યવસાયમાં કાર્યરત હોય ત્યારે એ ગણવેશમાં હોય છે. ઘણા વ્યવસાય કે સેવાઓ એવા છે કે ગણવેશમાં ન હોવું; ગેરશિસ્ત મનાય છે. પોલીસો માટે ખાખી કે બ્લ્યુ વર્દી, વકીલો માટે કાળો કોટ નક્કી કરાયેલા છે. ડોક્ટરો, નર્સો તથા એરફોર્સ માટે સફેદ, કુલી માટે લાલ, પાયદળ માટે લીલોતરીને મળતા રંગનો ગણવેશ નક્કી કરાયેલા છે. દરેક સ્કૂલનો પોતાનો આગવો ગણવેશ હોય છે. ઓફીસો શોરૂમોમાં કર્મચારીઓ અને સેલ્સમેનોના વસ્ત્રો સરખા હોય છે. ગણવેશ માનવીનો વ્યવસાય અથવા સામાજીક દરજ્જો દર્શાવે છે પણ દર્શાવે એવા ગણવેશનું નિર્માણ થયુ નથી. માનવતા ગણવેશની મોહતાજ નથી. એ એક સમ્રાટમાં અને એક ફકીરમાં પણ હોઈ શકે છે. બંનેમાં ન હોય એવું ય હોઈ શકે.
ટૂંકમાં ગણવેશ કે અન્ય બાહ્ય દેખાવ માનવીનો દરજજો વ્યક્ત કરી શકે પણ માનવતાને વ્યક્ત ન કરી શકે.
તા.૨૮।૧૦।૨૦૧૦ના રોજ જયહિન્દમાં મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

સ્પર્શ

ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ ગભરાય છે
એને રૂઝાયેલા જખ્મો યાદ એવી જાય છે
સૈફ પાલનપુરી

ઉપરોક્ત મત્લો 'દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીવે છે' કહેવતના ભાવાર્થને રજૂ કરે છે. મન ભૂતકાળમાં મળેલી વેદનાનાં કારણે ફૂલોને સ્પર્શ કરતાં ય ગભરાય છે, ડરે છે કે ક્યાંક નવી વેદના ન મળે. શરીર પર લાગેલા ઘા રૂઝાઈ જાય છે પણ કાળજે લાગેલા ઘા રૂઝાતા નથી.માનવી કાળજે લાગેલા ઘાની માનસિક અસરમાંથી કદી મુક્ત થઈ શકતો નથી.

કેટલો નજીક છે આ દૂરનો સંબંધ પણ
હું હસું છું એકલો, એકલા એ શરમાય છે

આ શેરમાં જે પ્રકારના પ્રેમનું વર્ણન છે તે આજે 'આઉટ ઓફ ડેટ' ગણાય છે. જોકે એક જમાનામાં પ્રેમની આ સદાબહાર રીત હતી. નજર મળતાં જ હૈયામાં ઉપવન ખીલી જતાં. નજરોથી એકરાર થઈ જતો.બંને પાત્ર અનેકવાર સામસામેથી પસાર થઈ જતા પણ શબ્દોને ટપાલી બનાવી હૈયાનો સંદેશો મોકલવાની હીંમત થતી નહીં. શારીરિક રીતે દૂર પણ 'પ્રેમિક' રીતે નજીક એવા પ્રેમીજનોની વાત ઉપરોક્ત શેરમાં વણાઈ છે.

જયહિંન્દમાં મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં તા.૧૧।૧૨।૨૦૧૧ના દિવસે છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

વિરહની રાત


આ વિરહની રાત છે તારીખનું પાનું નથી
અહીં દિવસ બદલાય છે તો આખો યુગ બદલાય છે
સૈફ પાલનપુરી

તારીખનું પાનુ બદલાવું એટલે ચોવીસ કલાક થવા. જેણે પ્રીત કરી છે, વિરહની પાનખર ભોગવી છે એને ખબર હોય છે કે તારીખના એક પાનામાં કેટલા યુગ સમાયેલા હોય છે. બલ્કે એક એક ક્ષણમાં હજાર હજાર યુગ હોય છે. એક એક યુગ કેવી રીતે અને કેટલો આકરો વીતે છે એ હકીકત વિરહની વેદના ભોગવનાર જ જાણે છે. કવિ સૈફ પાલનપુરીએ વિરહકાળને ર
ાત સાથે સરખાવ્યો છે. રાત કાળી અંધારી હોય છે. દુખી માનવી માટે રાત પસાર કરવી ખૂબ જ મુશ્કેલ કાર્ય છે કારણ કે માનવી રાત્રે દિવસની જેમ વ્યસ્ત નથી હોતો. દિલ પર પડેલા ઘા એને ઊંઘવા નથી દેતા અને અંધારી રાત જાગવા નથી દેતી.

એક પ્રણાલિકા નભાવું છું લખું છું 'સૈફ' હું
બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જીવાય છે

આ શેરમાં કવિએ વાસ્તવિક જીવન અને કાવ્યમાં દર્શાવાતા જીવન વચ્ચે ભેદ હોય છે એની વાત કરી છે. કાવ્યમાં જે આદર્શ સમાજ, રાષ્ટ્ર, વિશ્વ અને વ્યવસ્થાનું ચિત્રણ હોય છે તે વાસ્તવમાં ક્યાંય દેખાતું નથી.

દૈનિક જયહિન્દમાં મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં તા.૧૧।૧૨।૨૦૧૧ ના રોજ છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

આત્મ ચેતના

જેને વૈભવ મળે અંદરથી;
બહારથી એ ફકીર લાગે છે
ગૌરાંગ ડી. ઠાકર
 
જેની આત્મચેતના જાગૃત થઈ જાય છે એને બાહ્ય વૈભવ અર્થહીન લાગે છે. મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે આત્મ ચેતના, અંદરનો વૈભવ છે શુઁ?

આત્મ ચેતના વિશે ઘણા મત મતાંતર છે.મારા મતે જગતની ક્ષણભંગુરતાનો અનુભવ થયા પછી પણ જે કાર્ય કરવાના છે. તે કરવાના પ્રયત્નો કરવા એ જ આત્મ ચેતના છે. એક મત એવો છે જે વિચારે છે. જો બધું એક દિવસ નષ્ટ થવાનું છે તો શું કા

મ બધી લમણાઝીંક કરવી? કોના માટે કરવી? ઠીક છે બધું નષ્ટ થવાનું છે પણ નષ્ટ થાય ત્યાં સુધી તો રહેવાનુ છે. મને ખબર છે મારે એક દિવસ મરવાનું છે તેથી હું શ્વાસ લેવાનું ન છોડી શકું. છોડી શકું? ના, નહીંતર કાલે મરતો આજે મરીશ.

ટૂંકમાં નશ્વર જગતની ક્ષણભંગુરતાને અનુભવવા જાણવા સમજવા છતાં કાર્ય કરવાની ભાવના રાખવી; મારા મતે એ જ સાચી આત્મ ચેતના છે

૨૫।૧૨।૨૦૧૧ ના દિવસે દૈનિક જયહિંન્દમાં મારી કોલમ 'અર્જ કરતે હૈં' છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

ગુરુવાર, 8 નવેમ્બર, 2012

સ્મૃતિઓ

એક પંખી આંખમાં આવી અને ટહુક્યા કરે
પોપચામાં એક વીતેલો સમય પલળ્યા કરે
યોસેફ મેકવાન
કેટલીક યાદો હંમેશા માનવીની આંખોને ભીની કરે છે. કવિ યોસેફ મેકવાને સ્મૃતિઓને
પંખી સાથે સરખાવી છે. વિશાળ આકાશમાં નાનકડું પંખી એમ વિશાળ જીવનમાં નાનકડી યાદ. યાદને વાગોળવી એટલે પંખીનું ટહુકવું. યાદ આવે પછી આંખ ભીની થાય એ વાતને કવિએ વીતેલો સમય પલળ્યા કરે શબ્દો દ્વારા ખૂબ કલાત્મક રીતે રજૂ કરી છે
યાદો માનવ જીવનનું મહત્વપૂર્ણ અને અભિન્ન અંગ છે. તે માનવને હસાવે છે, રડાવે છે, ઉન્માદી બનાવે છે તો શાંત પણ કરે છે. જરા વિચારો જોઈયે યાદો વિનાનું જીવન કેવું હોત? માનવીને ભૂતકાળ યાદ ન રહેતો હોત તો?

નડતર

બીજાના માટે હું કદી નડતરનહીં બનું
આવે જે ઠોકરોમાં એ પત્થર નહીં બનું
મઝહર ફારુકી

શાયરે ગા-ગાલગાલ-ગાલલગા-ગાલગાલ-ગા
માત્રા બંધારણમાં ઘણો જ ઉચ્ચ વિચાર એકદમ સરળ શબ્દોમાં રજૂ કર્યો છે. માણસે જીવનમાં કોઈને નડવું નહીં. જીવનમાં એવા કાર્યો કદી ય ન કરવા જેથી કોઈને તકલીફ થાય.જે વ્યક્તિ અન્યને નડે છે એનો અંજામ શું થાય છે, એ પણ શાયરે સંકેતમાં જણાવી દીધું છે. "આવે જે ઠોકરોમાં..."પંક્તિ દ્વારા શાયર જણાવે છ

ે કે વ્યક્તિ અન્યોને નડે છે.
કોઈ એની કદર કરતુ નથી.

અશ્રુ બનીને માટીમાં મળવું કબૂલ છે
રોળી કોઈનાં રત્ન હું ગવહર નહીં બનું

શાયર કહે છે મારા આંસુ ભલે માટીમાં મળે મને પરવા નથી.

મારા શમણાં રોળાઇ જાય એ મને મંજૂર છે; પણ
અન્યના શમણાને રોળી કે અન્યની બરબાદી પર હું
સફળતાના મહેલ નહીં ચણું. મને ભલે સફળતા ન મળે પણ અન્યોની નિષ્ફળતાનું કારણ નહીં બનું.

નાનું પરંતુ મીઠું સરોવર બનીશ હું
ઠારી શકે ન પ્યાસ એ સાગર નહીં બનું

આ શેરમાં પણ સુંદર વિચાર રજૂ થયો છે.મીઠા પાણીનું સરોવર ભલે સાગર જેટલું વિશાળ ન હોય પણ એ લાખો જીવોની તરસ છીપાવે છે, જ્યારે સાગર? વિશાળ હોવા છતાં કોઈની તરસને સંતોષતો નથી. વ્યક્તિ મોટો બને એ મહત્વપૂર્ણ નથી પણ કેટલાને ઉપયોગી થાય છે એ મહત્વપૂર્ણ છે. કેટલા જીવનને સુખદાયક બનાવે છે; આનંદદાયક બનાવે છે; કેટલાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે: એ મહત્વપૂર્ણ છે.
 
અભણ અમદાવાદી
તા.4/7/2010 ના દિવસે જયહિંદ દૈનિકમાં મારી કોલમ
"અર્જ કરતે હૈ" માં છપાયેલા લેખ નો અંશ

તરસ

તરસનું રણ તમારે કંઠ ફેલ્યાનું કહ્યું લૂ એ;
અમે ખોબા મહીં પીધા વગરની વાવ લઈને દોડ્યા.
કરશનદાસ લુહાર

કવિતાઓમાં રણનું પ્રતિક અભાવ, ફળદ્રુપ ન હોવાના ભાવને વ્યક્ત કરવા વપરાય છે. રણમાં ચાલતી ગરમ હવાઓને લૂ કહેવાય છે જે મોતનું કારણ બને છે. અહીં એ જ ગરમ હવાઓએ કોઈને બચાવવા માટે પ્રયાસ કર્યો છે. પ્રથમ પંક્તિ કહે છે "હવાઓ એવી ખબર લાવી છે જે રણ જેવી છે" રણની તરસ કેવી હોય? કદી ન સંતોષાય એવી. રણની તરસને સંત

ોષે એટલો વરસાદ ત્યાં પડતો નથી. બલ્કે વરસાદનો અભાવ જ રણનું સર્જન કરે છે.
જેને સમાચાર મળ્યા છે એ વ્યક્તિ પીધા વગરની વાવ ખોબામાં લઈ દોડે છે. ખોબો એટલે તો સમજ્યા કે ઓછી સગવડ ટાંચી વ્યવસ્થા પણ પીધા વગરની વાવ એટલે શું?
આ શબ્દ દ્વારા કવિ કદાચ એવા સાધન તરફ સંકેત કરવા માંગે છે જેનો કદી ઊપયોગ નથી થયો.

અભણ અમદાવાદી
દૈનિક જયહિન્દ માં ૬।૧૧।૨૦૧૧ ના દિવસે મારી કોલમ 'અર્જ કરતે હૈં' માં છપાયેલા લેખનો અંશ

રવિવાર, 13 મે, 2012

स्वप्न संकेत पार्ट 2

     मेरी पोस्ट 'स्वप्न का इशारा' पढ़कर एक कमेंट्स ये हुई की "एसा नहीँ हो सकता की हमारे अंतरमन में कोइ बात बैठ गई हो और वो स्वपन के रुप मे उभर के आती हो, फिर कोइ बडी घटना घटती है और हमारा मन उस घटना और स्वपन के बीच सटिक मेल बिठाने के लिये तर्क रखता हो, और हम उसे पूर्वभास स्वपन नाम दे देते हों।"
     हम किसी बात या मुद्दे में डूब जाते हैं या गहरी शिद्दत से उस के बारे में सोचते हैं तो उस से संबंधित व्यक्ति या घटना हमें न सिर्फ रात में बल्कि दिन में भी दिखने लगते हैं। लगे रहो मुन्नाभाई में मुन्नाभाई को ईसी वजह से गाँधीजी दिखते हैं। एक बहुत पुरानी फिल्म 'यही है जिन्दगी' में भी संजीवकुमार कृष्ण से उसी तरह बातें करते हैं जैसे मुन्ना गाँधीजी से करता है।
     ये उन दिनों की बात है। जब मैं ग़ज़ल 'मंजर एक दिन' लिख रहा था। मैंने जितेंद्र अढिया की किताब 'प्रेरणा नुं झरणुं' पढ़ी है। जिस में मन के कार्य व कार्यशैली के बारे में काफी जानकारी दी गई है। मन से कार्य करवाने की तकनीक दी गई है। ग़ज़ल लिखने से कुछ महीने पहले मैंने वो किताब पढ़ी थी। सो मन से कार्य करवाने के प्रयोग कर रहा था।
     गजल के कुछ शेर लिख चुका था। ग़ज़ल का मत्ला था

     हम जमाने को दिखाएँगे वो मंजर एक दिन।
    मुट्ठियों में कैद कर लेंगे समंदर एक दिन।

    ईन परिस्थितियों की पश्चाद भूमिका में मुझे स्वप्न संकेत का अनुभव हुआ।

     ये अनुभव उस दिन हुआ। जिस दिन मैंने न्यूज चैनलों पर एक रातनीतिक पक्ष के कार्यकर्ताओँ को उत्तर भारतीयों के विरुद्ध कार्रवाई करते देखा। मैंने दिनभर बारबार वे द्रश्य देखे थे। जिस में कार्यकर्ता तोड़फोड कर रहे थे। लोगों को पीट रहे थे। आगजनी कर रहे थे। वो सारे द्रश्य मुझे बहुत व्यथित कर रहे थे। लोकतंत्र के कमजोर पक्ष को उजागर कर रहे थे। व्यवस्था तंत्र या तो जानबूझकर सख्त कदम नहीं उठा रहा था, या ईतना कमजोर था कि उठा नहीं पा रहा था।

      दिल ने कहा "ग़ज़ल मेँ ईस घटना से जुड़ा शेर लिखूँ।" उसी दिन रात को सोते वक्त जब तक नींद आई तब तक मन को (प्रेरणा नं झरणुं किताब में दी गई सूचनाओँ के अनुसार) आज्ञा देता रहा कि 'मुझे जो शेर लिखना है उस के बारे में कुछ संकेत दो। कोई एसा संकेत दो कि शानदार शेर अर्थपूर्ण शेर लिखूँ।" दोस्तों मन ने संकेत दिया और क्या खूब संकेत दिया।

मुझे रात को स्वप्न आया। स्वप्न में टीवी पर जो देखे थे वही द्रश्य दिखाई दिये। वही तोड़फोड़, आगजनी, परप्रांतियोँ की पिटाई करते राजनीतिक पार्टी के कार्यकर्ता पर................... कार्यकर्ताओँ के चेहरे? कार्यकर्ताओँ के शरीर तो ईन्सानों के थे पर चेहरे ईन्सानों के नहीं थे। मन ने अलग चेहरों के द्वारा संकेत दिया था। चेहरे बंदरों के थे। सुबह उठते ही मैंने शेर लिखा,

      भीड़वादी राज करवाता है कितनी तोड़फोड़।
      सच कहे इतिहास सचमुच हम थे बंदर एक दिन।

     ये वो अनुभव है जिस के बारे में मैं ये नहीं कह सकता की किसी स्वप्न का मैंने किसी घटना के घटने के बाद संबंध जोड़ दिया। ईस विषय में मन की भूमिका बहुत महत्वपूर्ण है। हम जो देखते हैं सोचते हैं समझते है। उन सब के आधार पर मन अपनी एक अलग दुनिया का निर्माण करता है। मन की दुनिया का स्वप्नोँ से गहरा रिश्ता है। मगर एसा भी नहीं है कि स्वप्न सदा कुछ न कुछ संकेत करते ही हैं। इस विषय में सब की अपनी अपनी राय होती है। कोई किसी को चेलेंज नहीं कर सकता।

શનિવાર, 12 મે, 2012

स्वप्न संकेत पार्ट 2(1)

दिल ने कहा "ग़ज़ल मेँ ईस घटना से जुड़ा शेर लिखूँ।" उसी दिन रात को सोते वक्त जब तक नींद आई तब तक मन को (प्रेरणा नं झरणुं किताब में दी गई सूचनाओँ के अनुसार) हुक्म देता रहा 'मुझे जो शेर लिखना है उस के बारे में कुछ संकेत दो। कोई एसा संकेत दो कि शानदार शेर अर्थपूर्ण शेर लिखूँ।" दोस्तों मन ने संकेत दिया और क्या खूब संकेत दिया।

मुझे रात को स्वप्न आया। स्वप्न में टीवी पर जो देखे थे वही द्रश्य दिखाई दिये। वही तोड़फोड़, आगजनी, परप्रांतियोँ की पिटाई करते राजनीतिक पार्टी के कार्यकर्ता पर............ कार्यकर्ताओँ के चेहरे? कार्यकर्ताओँ के शरीर तो ईन्सानों के थे पर चेहरे ईन्सानों के नहीं थे। मन ने अलग चेहरों के द्वारा संकेत दिया था। चेहरे बंदरों के थे। सुबह उठते ही मैंने शेर लिखा,

भीड़वादी राज करवाता है कितनी तोड़फोड़।
सच कहे इतिहास सचमुच हम थे बंदर एक दिन।

સોમવાર, 7 મે, 2012

પ્રશંસા

જરૂરી છે દીવાનાઓ પ્રશંસા રૂપની કરવા
સલામો ચાંદને ભરવા સિતારાઓ જરૂરી છે
કિસ્મત કુરૈશી

હિન્દી ફિલ્મી ગીત ઘૂંધટ કી આડ સે માં શબ્દો છે 'જબ તક ન પડે આશિક કી નજર સિંગાર અધૂરા રહતા હૈ'. રૂપ શણગાર કોના માટે શા માટે કરે છે? પ્રશંસા માટે. દીવાના ન હોત તો સૌંદર્યને પ્રતિભાવ કોણ આપત? ગગનમાં તારલા હોવાથી ચાંદો વધારે સુંદર લાગે છે. તારલા વિના એની સુંદરતા ઝાંખી પડી જાત, ફીકી થઈ જાત. દરબારમાં રાજા એકલો શોભે? ના. દરબારીઓ વિના રાજા અને દરબાર બંને ય ના શોભે. દીવાનાઓના કારણે રૂપની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.

તા.૧૫।૦૪।૧૨ના રોજ દૈનિક જયહિંદમાં મારી કૉલમ 'અર્જ કરતે હૈં' માં છપાયેલો આસ્વાદ લેખ
અભણ અમદાવાદી

શનિવાર, 5 મે, 2012

કિનારો

સરિતાને સમંદરને કિનારાઓ જરૂરી છે
જિગરને જિન્દગાનીને સહારાઓ જરૂરી છે
કિસ્મત કુરૈશી

કિનારો એટલે પાળ,બૉર્ડર,સીમા. નદીઓ કે સાગરને કિનારા ન હોત તો? જળસ્થળ બધું એક થઈ જાત. લગાગાગાના ચાર આવર્તનમાં લખાયેલો શેર ઉપરોક્ત ભાવાર્થ ધરાવે છે. સ્વભાવ,વાત,વિચાર,મુદ્દો દરેકને એક પાળ એક છેડો હોવો જરૂરી છે. પાળ સહારાનું કાર્ય તો કરે જ છે. સુંદરતા વધારવાનું કાર્ય પણ કરે છે. કિનારો જળ અને સ્થળને એક થતા રોકે છે.

જીવનમાં પણ સહારા જરૂરી છે. ક્રોધને ધીરજનો,લાલચને સંતોષનો,વિદ્યાને વિવેકનો,શાંતિને આક્રમકતાનો,આક્રમકતાને શાણપણનો કિનારો-સહારો હોવો જ જોઈએ. નહીંતર ક્રોધ અને લાલચ વ્યક્તિ અને સમાજને હાનિ પહોંચાડે જ છે.શાંતિ પાસે થોડી આક્રમકતા જરૂરી છે. નહીંતર અન્યો એને કાયર માની લે છે. આક્રમકતા પાસે શાણપણ ન હોય તો તે ફક્ત હિંસા બની જાય છે.વેદનાને સમજદારીનો કિનારો ન મળે તો તે જીવ લઈ લે છે.

કિનારાના કારણે સૌંદર્ય અને સાચવણીમાં ય વધારો થાય છે. સાડીને ફૉલ લગાડવાથી સૌંદર્ય અને સાચવણી બંને વધે છે. ફોટોગ્રાફને ફ્રેમમાં મઢવાથી સાચવણી અને સૌંદર્ય વધે છે.

તા.૧૫।૦૪।૧૨ના રોજ દૈનિક 'જયહિંદ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં' માં છપાયેલો લેખ

સોમવાર, 23 એપ્રિલ, 2012

સંઘર્ષ

ઈસ નદી કી ધાર સે ઠંડી હવા આતી તો હૈ
નાવ જર્જર હી સહી લહરોં સે ટકરાતી તો હૈ
દુષ્યંતકુમાર

દુષ્યંતકુમાર હિન્દી સાહિત્યક્ષેત્રને મળેલી અદ્ભુત વિલક્ષણ પ્રતિભા છે.

આ ગઝલના મત્લામાં ટાંચા, અધૂરા કે નુકશાન પામેલા સાધનો દ્વારા કરાતા જીવન સંઘર્ષની વાત છે. નદી અને ઠંડી હવા જીવનના પ્રતિકો છે. કવિ કહે છે નદીના પ્રવાહને સ્પર્શ કરીને આવતી હવા ઠંડી છે. ઠંડી હવા જીવનને તાજગી આપે છે. સવારે મોર્નિંગવૉક માટે જનારા ઠંડી હવાની તાજગી ફેફસાંમાં ભરવા માટે જાય છે ને. બીજી પંક્તિમાં કવિએ જીર્ણશીર્ણ હોડી દ્વારા અધૂરા ટાંચા સાધનો તરફ ઈશારો કર્યો છે. લહેરોસે ટકરાતી હૈ નો અર્થ સ્પષ્ટ છે. સાધનો ભલે ટાંચા છે ક્ષતિગ્રસ્ત છે. નદીના પ્રવાહથી બાથ ભીડી રહ્યાં છે.
સંઘર્ષ ચાલુ છે. જેણે સંઘર્ષ કરવો હોય એને સાધનોની ઊણપ નડતી નથી. સંઘર્ષકાળમાં વિખ્યાત ક્રિકેટર ગેરી સોબર્સ પાસે પૂરતા સાધનો ન હતા પણ બુલંદીએ પહોંચ્યા.

તા.૧૨।૨।૧૨ના રોજ દૈનિક જયહિંદમાં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલો લેખ એકાદ ફેરફાર સાથે
અભણ અમદાવાદી

રવિવાર, 22 એપ્રિલ, 2012

છંદ વિષે પ્રશ્ન / પ્રશ્નનો જવાબ

મારું છંદનું જ્ઞાન સાવ અછંદ છે એટલે એમાં નહિ પડું.જોકે તમે તમે જે શેર સહુથી પહેલો ટાંક્યો છે તે ગઝલના કયા છંદમાં છે તેવો એક સહજ પ્રશ્ન મને થયો. ભાષાના છંદનું જ્ઞાન હોવું એ આવકાર્ય અને તે માટે સંપૂર્ણતા (પરફેક્શન)નો આગ્રહ રાખવો તે પણ યોગ્ય છે. પણ ગઝલો જો માત્ર ટેકનીક થી જ લખાતી હોત કે લખી શકાતી હોત તો તે લખવામાં કે વાંચવામાં ભાષાના શિક્ષકો કે વિદ્યાર્થીઓ સુધી જ સીમિત રહી હોત. છંદમાં લખનારો શાયર પણ ગઝલ સંભળાવે છે ત્યારે તે " આ ફલાણા છંદમાં છે તેમ કહેતો નથી" એનો અર્થ એ થયો કે સહુ પ્રથમ તો ભાવ અગત્યનો બને છે. લય એ ભાવનો વાહક માત્ર છે અને એ ચોક્કસ જ હોય તે જરૂરી નથી એમ મને લાગે છે. એ જે તે ગઝલ છંદના બંધારણમાં જ હોય તે પણ જરૂરી નથી. હું ક્યારેય છંદમાં નથી લખતો. અરે મને તો એ પણ નથી ખબર. આ છંદના નામ કયા છે પણ તેથી કઈ ભાવ મટી જતો નથી અને કૃતિના ભાવના ભોગે તેને છંદ બદ્ધ કરવી કે તેને માટે સંપૂર્ણતા નો આગ્રહ રાખવો એ તેને જકડવા બરાબર છે એમ મને લાગે છે. છંદ વગર સાહિત્ય નહિ એવું જ હોત તો કોઈપણ અછાંદસ કૃતિઓ રચાઈ જ ન હોત. તમે ટેકનીક સમજાવવામાં છંદ અને ભાવની ભેળસેળ પણ નાહક કરી છે એમ મને લાગે છે.

બીજું મને તમારું ઉદાહરણ કઠયું. તમે ગઝલના છંદની વાત કરો છો ને તેને શર્ટની બાંય, બટન સાથે સરખાવો કે સમજાવો છો તે જરા વધુ પડતું લાગે છે.આપણે ગમે તેટલા સુઘડ રહેતા હોઈએ તોય આપણને ફિલ્મોમાં લઘર વઘર રહેતો હીરો કેમ ગમે છે ? કેમ કે આપણે ત્યારે એનો વેશ નહિ પણ એનો ભાવ જોઈએ છીએ.

ભાષામાં પરફેક્શન ના આગ્રહ નું એક નુકશાન એ પણ છે કે તે ભાષાનો વિકાસ અટકાવી શકે છે..અત્યારે ગઝલ શાસ્ત્રમાં જે છંદ હશે તે કંઈ ઉપરથી ટપક્યા હશે ? ના, પોતાના ભાવ અભિવ્યક્ત કરવા મથતા લોકો એ લય શોધતા શોધતા જ બનાવ્યા હશે ને..? તો પછી શકય છે કે તમે જેને પરફેક્શન થી અલિપ્ત ગણો છો તેમાંથી પણ કોઈ પોતે પોતાનો નવો છંદ બનાવે ! અને ન બનાવે તો પણ ગા લ ગા ..તૂટતા હોવા છતાં ગઝલના ભાવ ના બળે એ તરી જાય સામે પાર. મારા મતે જે લય મળે તેમાં કે લય ન મળે તો પણ લખવું એ જ ભાષાની અને વ્યક્તિની પોતાની મોટી સેવા છે. ભાવમાં જોર હશે તો લય તો એની મેળે મળી જ રહેવાનો છે.બંધારણમાં ઓગણીસ વીસ હશે તો પણ એ ખોટું નથી. ટૂંકમાં છંદની ટેકનીક ના જોરે જો ગઝલકાર થઇ શકાતું હોત તો ગઝલ પર અંબાણી કે અદાણીની પેટેન્ટ હોત !

રહી વાત હવે સાહિત્યક મુલ્ય ની. આ જરા અઘરો વિષય છે મારા માટે. તમે જો છંદ શાસ્ત્ર ના આધારે સેન્ટીમીટર કે ઇંચ માપવાના હો તો હા એનું મુલ્ય કોડી નું..પણ જો તમે એ જ માપદંડને ભાવ સાથે મુકો તો એનું મુલ્ય લાખનું થઇ શકે. આપણા વિવેચકોએ જયારે મેઘાણીને પણ સાહિત્યકાર નથી ગણ્યા ને કેટલાક ઉત્સાહી જીવો તો અછાંદસ ને સાહિત્ય જ નથી ગણતા ત્યારે આને મૂલવશું કેમ ?

આ લખીને મેં કોઈ પાઘડી નથી પહેરી એટલું તો ચોક્કસ માનશો જ. આભાર.

-મેહુલ

લેખના પ્રારંભે જે શેર લખ્યો હતો એ રમલ-૧૯ છંદમાં લખાયેલો શેર છે. મને લાગે છે તમે વિકાસ પ્રિય વ્યક્તિ છો. તેથી જ તમને પરફેક્શન નો આગ્રહ યોગ્ય લાગે છે. મિત્ર તમે જે વિચાર સ્થાને છો એક સમયે હું પણ ત્યાંજ હતો.  મને પણ લાગતું કે ભાવને બંધારણના પાંજરામાં પુરાય? મેં તો આ વિષય પર તર્કો સાથેની કવિતા પણ લખી હતી. એ કાવ્યનું મુખડું અહી રજુ કરું છું.

રચનાઓને ગઝલ કહેવી કે ગીત છંદ કહેવી કે મુક્તક, હું નથી જાણતો
એ બધી છે બંધારણીય આંટીઘૂંટી, 'બંધારણ' કોને કહેવાય હું નથી જાણતો
એક બીજી ય રચના કરી હતી

બંધારણનાં.બંધનમાં હું નથી બંધાતો
પધ્ધતિની જાળમાં હું નથી અટવાતો
મુક્ત પંખી છું હું, ખુલ્લા આકાશનું
સંગ્રહાલય નાં પિંજરે,ભાવ નથી સચવાતો

તમે સાચું કહ્યું છે કોઈ પણ પ્રકારની સાહિત્યિક રચના માટે ભાવ એ પ્રથમ જરૂરિયાત છે. ગઝલો માત્ર ટેકનીક થી નથી લખતી પણ સાચું છે.પણ મિત્ર મેં મારા લેખમાં એવું ક્યાંય નથી લખ્યું કે ગઝલો માત્ર ટેકનીક થી લખાય છે. છંદોબદ્ધ ગઝલ લખનારા કવિ કે શાયરે પઠન સમયે મહેફિલ ને ગઝલ કયા છંદમાં છે એ બતાવવાની જરૂર પણ નથી.કારણ કે શ્રોતાઓને સારી ગઝલ સાથે મતલબ છે. જેમ જમનારા ને સારા ભોજન સાથે મતલબ હોય છે. શાકમાં કયા મસાલા કેટલા પ્રમાણમાં નાખ્યા? કે રોટલી કેટલા ટપકારે થઇ? એની સાથે નહિ. તો પછી છંદનું મહત્વ શું? છંદ કોના માટે બન્યા છે? આ પ્રશ્નોનાં જવાબ જાણતા પહેલા છંદ કોને કહેવાય એની સરળ વ્યાખ્યા જાણી લઈએ. પંક્તિઓને સરળતાથી ગાઈ શકાય કે પઠન કરી શકાય માટે બનેલા નીતિ નિયમો એટલે છંદ.આને છંદો માટેની આ સરળ માં સરળ વ્યાખ્યા કહી શકાય. હા કાવ્ય લખવા માટે છંદ શીખીએ કે ન શીખીએ પણ ભાષાની ટેકનીક તો શીખવી જ પડે. નહીતર અર્થનો અનર્થ થતા વાર નથી લાગતી.

મેં ગઝલનાં છંદો ને બાંય કે બટન સાથે નથી સરખાવ્યા પણ સુઘડતા, સ્વચ્છતા, અને કલા પ્રિયતા વગેરે આપણને ગમે છે એ દર્શાવવા માટે ઉદાહરણો આપ્યા છે. તમે લખ્યું છે "આપણને ફિલ્મોમાં લઘર-વઘર હીરો ગમે છે કેમ કે આપણે ત્યારે એનો વેશ નહિ ભાવ જોઈએ છીએ" તો મિત્ર તમે જરા ધ્યાન આપજો, રીસર્ચ કરજો. હીરો, હિરોઈન અને અન્ય પાત્રોનાં વસ્ત્રો દ્રશ્ય અને પરિસ્થિતિને અનુરૂપ જ હોય છે. અમુક ઉદાહરણો જુઓ, કુછ કુછ હોતા હૈ માં કોલેજ લાઈફ ની બિન્દાસ્ત કાજોલ અને પછી ની કાજોલ ની વેશભૂષા માં ફેર છે. હોરર કે થ્રીલર ફિલ્મોમાં ભટકતી આત્મા સફેદ કે કળા વસ્ત્રોમાં જ હોય છે. રોકસ્ટાર માં કોલેજકાળના રણબીર અને રોકસ્ટાર રણબીર ના વસ્ત્રોમાં ફેર નોંધ્યો?આવું કેમ? કારણ ટેકનીક: ભાવોને, પરિસ્થિતિને, દ્રશ્ય અનુરૂપ વસ્ત્રો હોય[અન્ય ફર્નીચર વગેરે પણ] તો એક માનવીના વિચારો બીજા સુધી જલ્દી અને સરળતાથી પહોંચે છે. ટેકનીક વિચારોનું વહન કરવામાં સહાય કરે છે.

ભાષાના પરફેક્શન નો આગ્રહ એના વિકાસને કેવી રીતે રોકી શકે? આપણે જે મુદ્દા પ્રત્યે જાગ્રત હોઈએ એ પ્રત્યે વધારે ધ્યાન આપીએ છીએ. પરફેક્શન ના આગ્રહનો મતલબ જ એ છે કે આપણે કાર્યને વધુમાં વધુ સુંદર, આકર્ષક અને લોકોને ગમે એવું કરવા માંગીએ છીએ.

છંદ ઉપરથી નથી પડ્યા એ સત્ય છે.માનવીની સદીઓની સાહિત્ય સાધનાનું પરિણામ છે. છંદમાં લખો ન લખો એ મરજીની વાત છે. હા, તમે અંબાણી અને અદાણીની વાત કહી.તેઓ એમના કાર્ય; બિજનેસ ની ટેકનીક માં પાવરધા છે એટલે જ 'અંબાણી' અને 'અદાણી' છે.

છેલ્લે સાહિત્યિક મૂલ્યના મુદ્દાને તમે સ્પર્શ્યો નથી એટલે હું ય નથી સ્પર્શતો. મને નથી ખબર તમારા પ્રશ્નોનું સમાધાન થયું કે નહિ. પણ તમે મને પ્રશ્નો પૂછી આ મુદ્દા વિષે લખવા પ્રેર્યો તે બદલ આભાર.
અભણ અમદાવાદી

ટેકનીકનું મહત્વ

કાળ સામે તે કવિ ટકતા નથી
છંદ માં જેઓ ગઝલ લખતા નથી
લલિત રાણા' આતશ'

મને આ શેર બહુ ગમે છે. દરેક કાર્ય ની એક પધ્ધતિ હોય છે એક ટેકનીક હોય છે. ટેકનીકથી કાર્ય કરવાથી તે ઝડપથી થાય છે અને સારું પણ થાય છે. જો સારું ના થાય તો એનો મતલબ એ કે ટેકનીકમાં ક્યાંક ખામી છે. દરેક ટેકનીક ખાસ કરીને સર્જનાત્મક કાર્યોની ટેકનીકમાં એક લય છુપાયેલી હોય છે. લયબદ્ધ રીતે કાર્ય કરવાથી કાર્ય કરવામાં પણ મઝા આવે છે. એવું નથી કે પદ્ધતિસર રીતે કાર્ય ન કરીએ તો કાર્ય થતું નથી પણ ટેકનીકલ મર્યાદામાં રહીએ કાર્ય કરવાની મઝા જ કંઈ ઓર છે. જેઓ ટેકનીકલ રીતે સક્ષમ કાર્ય નથી કરતા એમને ક્ષણિક વાહવાહી ભલે મળે પણ ઈતિહાસમાં એમની નોંધ લેવાતી નથી.જયારે ટેકનીકલ તીતે સક્ષમ કાર્ય સમે કાળ પણ હારી જાય છે. ઈતિહાસના પાના પર એ કૃતિ અમર થઇ જાય છે. રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકર સૌથી મોટું ઉદાહરણ છે.

મને આડેધડ સીવેલું શર્ટ ગમે? એક બાંય નાની ને એક મોટી હોય તો ગમે? બાંય નાની મોટી છોડો શર્ટના રંગ સાથે રંગસંયોજન [અરે મેચિંગ યાર] કરતા ન હોય એવા બટન પણ ગમતા નથી. ઘરની ભીંતો વાંકી-ચૂંકી હોય? ફર્નીચર આડેધડ બનેલું હોય? દરવાજા એક સરખી સાઈજના ના હોય તો ગમે? રસોઈ કાચી-પાકી હોય?રોટલી અડધી બળેલી ને અડધી કાચી હોય તો ગમે? ના આપણને એ નથી ગમતું. કેમ નથી ગમતું? કારણ કે એમાં દર્શનીયતા સુઘડતા સુંદરતા કે કલાત્મકતા નથી હોતા. આપણે આપણા અંગત જીવનમાં 'પરફેક્શન' ને જો આટલું મહત્વ આપતા હોઈએ તો સંસ્કૃતિ અને વિરાસતને એકથી બીજી પેઢી સુધી પહોંચાડનાર ભાષા પ્રત્યે કેમ આટલા બેદરકાર છીએ? ભાષામેં પરફેક્શનનો આગ્રહ કેમ નથી રાખતા?

ટેકનીકની અને ખાસતો છંદમાં ગઝલ લખવા મુદ્દે લખી રહ્યો છું ત્યારે ફેસબુક પર લખતા ઘણા એવા કવિઓના નામ યાદ આવી રહ્યા છે જેઓ ભાષા પર રીતસરનો અત્યાચાર જ કરે છે.એમની રચનાઓમાં ભાવ સાતત્ય ,શબ્દ પ્રવાહ કે વ્યાકરણના કોઈ જ ઠેકાણા હોતા નથી. ઘણીવાર તો એમને શબ્દનો ખરો ઉચ્ચાર પણ ખબર હોતો નથી અને એ શબ્દ રચનામાં વાપરે છે. એમને લાઇક પણ મળે છે. જોકે એમને લાઇક કરનારાઓની પણ એક મજબૂરી છે.એમને વચનક્ષુધા સંતોષવી છે. એ સ્થિતિમાં એમને જે મળે એનાથી વચનક્ષુધા સંતોષે છે. [મતદાર ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોમાં સૌથી ઓછા ખરાબ ઉમેદવારને મત આપીને મતદાનનો સંતોષ કરે આ એના જેવું થયું]. પણ એમની કૃતિનું સાહિત્યિક મુલ્ય શું? બીજાઓની વાત છોડો એમને લાઇક આપનારાઓને પણ એમની કૃતિ અઠવાડિયા પછી ભાગ્યેજ યાદ હોય છે.

કૃતિના સાહિત્યિક મૂલ્યના સંદર્ભમાં એક ઉદાહરણ દુષ્યંતકુમારનું આપું.એમને લગભગ ૫૦ જી હા ફક્ત ૫૦ જેટલી જ ગઝલો લખી છે [બીજી રચનાઓ જુદી] પણ હિન્દી સાહિત્ય વિવેચકોનો એક વર્ગ આધુનિક હિન્દી ગઝલના ઈતિહાસને દુષ્યંત કે બાદ અને દુષ્યંત સે પહલે એમ બે સમયખંડમાં વહેંચે છે. એમના ત્રણ શેર સાથે લેખ પૂરો કરું છું. હા એક સુચના આ લેખ વાંચી કોઈ એ બંધબેસતી પાઘડી, સાડી, ટોપી, વીંટી, કે બંગડી પહેરવા નહિ પ્લીઝ

अब किसी को भी नज़र आती नहीं कोई दरार
घर की हर दीवार पर चिपके हैं इतने इश्तहार

भूख है तो सब्र कर रोटी नहीं तो क्या हुआ
आजकल दिल्ली में है ज़ेर-ए-बहस ये मुदद्आ

ये सारा जिस्म झुक कर बोझ से दुहरा हुआ होगा[1]
मैं सजदे में नहीं था आपको धोखा हुआ होगा
દુષ્યંતકુમાર
થોડા વર્ષ પહેલા જયહિન્દ માં મારી કોલમ 'અર્જ કરતે હૈ'માં છપાયેલો લેખ થોડા ફેરફાર સાથે
અભણ અમદાવાદી

ગુલાબી મિજાજ

સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે
સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે
જલન માતરી

જલન માતરી સાહેબની ગઝલ એટલે બસરાનાં સાચા મોતી, ૨૪ કેરેટ સોનું. મિત્રો મારી કોઈ વિસાત નથી કે હું એમની ગઝલનું વિવેચન કરું કે ભાવાર્થ લખું.આ લેખ જલનસાહેબની કળાકૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ છે.
સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુઓ છે.આમ તો જગતમાં સુખ કે દુઃખ જેવું કંઈ નથી જે છે એ માનવીની પરિસ્થિતિઓ છે.સુખ અને દુઃખ ક્ષણભંગુર છે.બંનેમાંથી એકેય કાયમી નથી. હા, શાયરે અહી કલાત્મક અંદાજમાં સુખને દુઃખનો ગુલાબી મિજાજ કહ્યો છે.આધ્યાત્મિકતા કહે છે સુખ અને દુઃખ આવે છે ને જાય છે.લાગણીઓ નાં વિવિધ સ્વરૂપોનું નામ સુખ અને દુઃખ છે.
એક જ સિક્કાની બે બાજુની વાત નીકળી છે એટલે અહીં એક આડવાત કરી દઉં, એક જ ગુણ માટે સફળતા અને નિષ્ફળતાની પરિસ્થિતિઓમાં જુદા જુદા શબ્દ વપરાય છે.સફળ માનવીની અડગતાને દ્રઢનિશ્ચય જયારે નિષ્ફળ માનવીની અડગતાને જીદ્દીપણું કહેવાય છે.. હકીકતે બંનેમાં ગુણ એક જ છે અડગતાનો.

હું જો અનુસરણ ન કરું તો કરું યે શું?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.
વા...........હ જલનસાહેબ વા....હ. મૃત્યુ સનાતન સત્ય છે આ વાત એકદમ સરળ શબ્દોમાં કહેવાઈ છે.સામાન્ય રીતે આ જગતમાં સારા કાર્યો કે સફળતાઓનું અનુસરણ થાય છે.આ વાતની આધાર લઈને ઉપરોક્ત સત્ય રજુ કર્યું છે.જે જીવ અવતરે છે એનું મૃત્યુ નિશ્ચિત છે પણ આ વાતને અનુસરણ સાથે સરખાવી શેરને ઉત્તમ શ્રેણીનો બનાવ્યો છે. જગતનો દરેક માનવી અન્ય કોઈ કાર્યનું અનુસરણ કરે કે ન કરે પણ 'મરવાનું' અનુસરણ જરૂર કરે છે.

અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઈલાજ છે?
કહેવત છે ને "વહેમનો કોઈ ઈલાજ નથી" આ કહેવતને સથવારે ખુદાના, પ્રભુના, પરમપિતા પરમેશ્વરનાં અસ્તિત્વ વિષે વાત થઇ છે." ઉપરવાળા"નું અસ્તિત્વ વિશ્વાસ પર આધારિત છે. જેને વિશ્વાસ છે એના માટે પ્રભુ છે જેને નથી એના માટે પ્રભુ નથી. બંને મત પોતાના સ્થાને અડગ છે. જો કે ઘણી એવી ઘટનાઓ બની છે જેણે ઘોર નાસ્તિકને આસ્તિક અને ઘોર આસ્તિકને નાસ્તિક બનાવ્યા હોય.

ઉપરોક્ત ત્રણ સિવાય આ ગઝલમાં બીજા બે શેર છે જે આ પ્રમાણે છે.
દુનિયાના લોક હાથ પણ મૂકવા નાં દિયે
ને તું કહે સમસ્ત જગ મારે કાજ છે

ઊઠ બેસ વિણ અજાણ વિણ પળમાં પતી જશે
મસ્જીદમાં આખરી આ 'જલન'ની નમાજ છે
અર્જ કરતે હૈ
અભણ અમદાવાદી

ગુરુવાર, 19 એપ્રિલ, 2012

વિદ્વાન સ્વપ્ન

સ્વપ્ન મારું વાત નિરાળી કરે
એ તો વિદ્વાનોથી પણ વિદ્વાન છે
સંધ્યા ભટ્ટ

સ્વપ્ન માવનમનનું દર્પણ છે. મનોવિજ્ઞાનીઓ સદા કહે છે. તમને કયા સ્વપ્નો આવે છે. એની નોંધ રાખો. સ્વપ્નો માનવીને અલૌકિક દિવ્ય શક્તિ સાથે જોડે છે. સ્વપ્ન અગમના એંધાણ આપે છે.

સામાન્ય સમજ મુજબ વિદ્વાન એટલે જ્ઞાનવાન, પંડિત, જ્ઞાની. નિરાળી એટલે નોખી, જુદી, ન્યારી. હું એને પણ વિદ્વાન માનું છું જે આવતી કાલે ઘટનારી ઘટનાને આજે જોઈ શકે છે જાણી શકે છે. આ મામલે સ્વપ્નને કોઈ ન પહોંચી શકે. લગભગ ૧૮૯૮ના વરસમાં એક લેખકને સ્વપ્ન આવેલું. જેમાં એણે એક સ્ટીમરને ડૂબતી જોઈ. સ્વપ્નમાં એને પૂરું નામ નહોતું દેખાયું પણ Titan શબ્દો દેખાયા. લેખકે સ્વપ્નમાં દેખાયેલા ઘટનાક્રમ પર આધારિત નવલકથા લખી. વર્ષો પછી એ સ્વપ્નનાં(નવલકથાનાં પણ) દ્રશ્યો ટાઈટેનિક દુર્ઘટના રુપે સાકાર થયા. કવિયત્રીએ કદાચ એટલે જ સ્વપ્નને વિદ્વાનોથી વિદ્વાન કહ્યાં છે. ઘણીવાર ભવિષ્ય ને વિદ્વાન નથી જાણી શકતા, નથી જોઈ શકતા. સ્વપ્ન જાણી લે છે, જોઈ લે છે.

તા.8।4।12ના રોજ દૈનિક 'જયહિંદ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

સોમવાર, 16 એપ્રિલ, 2012

ધનવાન સ્વપ્ન

સ્વપ્ન મારું કેટલું ધનવાન છે
આંખ સામે લીલુંછમ મેદાન છે
સંધ્યા ભટ્ટ

ધનવાન કોને કહેવાય? ધનવાનની વ્યાખ્યા શી? હું આ વ્યાખ્યા કરું છું. જે વ્યક્તિ કોઈનું દિલ દુભાવવાની ઈચ્છા કર્યા વગર પોતાની મરજી મુજબ જીવન જીવી શકે. જીવનમાં ઘણું બધું ઈનફેક્ટ સઘળું આવી ગયું. જે ખુશહાલ હોય, સમૃદ્ધ હોય, જેના સપના પૂરા થયા હોય: એ ધનવાન છે અને સપના કુદરતની કૃપા વગર પૂરા થતા નથી.

પ્રથમ મિસરામાં સંધ્યા ભટ્ટે સ્વપ્નને ધનવાન વિશેષણ આપ્યું છે. બીજા મિસરામાં ધનવાન હોવાનું કારણ રજૂ કર્યું છે. આ વાક્ય આ કારણ કેટલો ગહન અર્થ રાખે છે. તે જુઓ.

આંખ સામે લીલોતરી હોવી એ સદભાગ્યની વાત છે. બહુ સારી, બહુ મોટી વાત છે. આંખ સામે લીલોતરી હોવાનો મતલબ છે. વરસાદ સારો થયો છે. પાક સારો થશે. પાક સારો થવાથી અન્ય ધંધા રોજગાર પણ સારા રહેશે. ભારતમાં આજે પણ અર્થચક્ર, વેપારચક્ર ખેતીથી શરૂ થઈ ખેતી પર જ પૂરું થાય છે. બધાનાં ધંધા રોજગાર સારા રહેવાથી જીવન સુખી અને સમૃદ્ધ થશે. કારણ આંખ સામે લીલોતરી છે. લીલોતરી એ કુદરતની કૃપાનું પ્રતિક છે. કુદરતની કૃપા જેના પર થાય એ જ ધનવાન છે.

દૈનિક 'જયહિંદ'માં તા.૮।૪।૨૦૧૨નાં રોજ મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

શનિવાર, 17 માર્ચ, 2012

સુખ અને દુખ

સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે
સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે
જલન માતરી સાહેબની ગઝલ એટલે બસરાનાં સાચા મોતી, ૨૪ કેરેટ સોનું. મિત્રો મારી કોઈ વિસાત નથી કે હું એમની ગઝલનું વિવેચન કરું કે ભાવાર્થ લખું.આ લેખ જલનસાહેબની કળાકૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ છે.
સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુઓ છે.આમ તો જગતમાં સુખ કે દુઃખ જેવું કંઈ નથી જે છે એ માનવીની પરિસ્થિતિઓ છે.સુખ અને દુઃખ ક્ષણભંગુર છે.બંનેમાંથી એકેય કાયમી નથી. હા, શાયરે અહી કલાત્મક અંદાજમાં સુખને દુઃખનો ગુલાબી મિજાજ કહ્યો છે.આધ્યાત્મિકતા કહે છે સુખ અને દુઃખ આવે છે ને જાય છે.લાગણીઓ નાં વિવિધ સ્વરૂપોનું નામ સુખ અને દુઃખ છે.
એક જ સિક્કાની બે બાજુની વાત નીકળી છે એટલે અહીં એક આડવાત કરી દઉં, એક જ ગુણ માટે સફળતા અને નિષ્ફળતાની પરિસ્થિતિઓમાં જુદા જુદા શબ્દ વપરાય છે.સફળ માનવીની અડગતાને દ્રઢનિશ્ચય જયારે નિષ્ફળ માનવીની અડગતાને જીદ્દીપણું કહેવાય છે.. હકીકતે બંનેમાં ગુણ એક જ છે અડગતાનો.
હું જો અનુસરણ ન કરું તો કરું યે શું?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.
વા...........હ જલનસાહેબ વા....હ. મૃત્યુ સનાતન સત્ય છે આ વાત એકદમ સરળ શબ્દોમાં કહેવાઈ છે.સામાન્ય રીતે આ જગતમાં સારા કાર્યો કે સફળતાઓનું અનુસરણ થાય છે.આ વાતની આધાર લઈને ઉપરોક્ત સત્ય રજુ કર્યું છે.જે જીવ અવતરે છે એનું મૃત્યુ નિશ્ચિત છે પણ આ વાતને અનુસરણ સાથે સરખાવી શેરને ઉત્તમ શ્રેણીનો બનાવ્યો છે. જગતનો દરેક માનવી અન્ય કોઈ કાર્યનું અનુસરણ કરે કે ન કરે પણ 'મરવાનું' અનુસરણ જરૂર કરે છે.
અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઈલાજ છે?
કહેવત છે ને "વહેમનો કોઈ ઈલાજ નથી" આ કહેવતને સથવારે ખુદાના, પ્રભુના, પરમપિતા પરમેશ્વરનાં અસ્તિત્વ વિષે વાત થઇ છે." ઉપરવાળા"નું અસ્તિત્વ વિશ્વાસ પર આધારિત છે. જેને વિશ્વાસ છે એના માટે પ્રભુ છે જેને નથી એના માટે પ્રભુ નથી. બંને મત પોતાના સ્થાને અડગ છે. જો કે ઘણી એવી ઘટનાઓ બની છે જેણે ઘોર નાસ્તિકને આસ્તિક અને ઘોર આસ્તિકને નાસ્તિક બનાવ્યા હોય.
ઉપરોક્ત ત્રણ સિવાય આ ગઝલમાં બીજા બે શેર છે જે આ પ્રમાણે છે.
દુનિયાના લોક હાથ પણ મૂકવા નાં દિયે
ને તું કહે સમસ્ત જગ મારે કાજ છે

ઊઠ બેસ વિણ અજાણ વિણ પળમાં પતી જશે
મસ્જીદમાં આખરી આ 'જલન'ની નમાજ છે
અર્જ કરતે હૈ
અભણ અમદાવાદી

વિરહ ની રાત

આ વિરહની રાત છે તારીખનું પાનું નથી
અહીં દિવસ બદલાય છે તો આખો યુગ બદલાય છે
સૈફ પાલનપુરી

તારીખનું પાનુ બદલાવું એટલે ચોવીસ કલાક થવા. જેણે પ્રીત કરી છે, વિરહની પાનખર ભોગવી છે એને ખબર હોય છે કે તારીખના એક પાનામાં કેટલા યુગ સમાયેલા હોય છે. બલ્કે એક એક ક્ષણમાં હજાર હજાર યુગ હોય છે. એક એક યુગ કેવી રીતે અને કેટલો આકરો વીતે છે એ હકીકત વિરહની વેદના ભોગવનાર જ જાણે છે. કવિ સૈફ પાલનપુરીએ વિરહકાળને રાત સાથે સરખાવ્યો છે. રાત કાળી અંધારી હોય છે. દુખી માનવી માટે રાત પસાર કરવી ખૂબ જ મુશ્કેલ કાર્ય છે કારણ કે માનવી રાત્રે દિવસની જેમ વ્યસ્ત નથી હોતો. દિલ પર પડેલા ઘા એને ઊંઘવા નથી દેતા અને અંધારી રાત જાગવા નથી દેતી.

એક પ્રણાલિકા નભાવું છું લખું છું 'સૈફ' હું
બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જીવાય છે

આ શેરમાં કવિએ વાસ્તવિક જીવન અને કાવ્યમાં દર્શાવાતા જીવન વચ્ચે ભેદ હોય છે એની વાત કરી છે. કાવ્યમાં જે આદર્શ સમાજ, રાષ્ટ્ર, વિશ્વ અને વ્યવસ્થાનું ચિત્રણ હોય છે તે વાસ્તવમાં ક્યાંય દેખાતું નથી.

દૈનિક જયહિન્દમાં મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં તા.૧૧।૧૨।૨૦૧૧ ના રોજ છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

પાંપણો અને નવદંપતિ

પાસ પાસે છે છતાંયે દૂર છે
પાંપણો પણ કેટલી મજબૂર છે
ગિરીશ પરમાર

વાહ! નિકટતા છતાં વિરહ હોવાના ભાવને કવિએ સુંદર રીતે રજૂ કર્યો છે. પાંપણો પાસ પાસે હોવા છતાં દૂર હોય છે. જલ્દી મળી શકતી નથી. જોકે રેલ્વેના પાટા કરતા પાંપણોને વધારે ભાગ્યશાળી માનવી જોઈયે. પાંપણો દિવસમાં બે-ચાર વાર(મટકું મારીયે ત્યારે) અને રાત્રે મળે છે. પાટા બિચારા જીવનભર સાથે ચાલે છે પણ મળી શકતાં નથી.

સંયુક્ત પરિવારમાંના નવદંપતિની સ્થિતિ પાંપણો જેવી જ હોય છે. ભર્યાભાદર્યા ઘરમાં નવદંપતિ પરિવારજનોની નજર બચાવી એકબીજા સામે જોઈ શકે, હસી શકે: મળી ના શકે. આવી પરિસ્થિતી માટે હિન્દીમાં કવયિત્રી સિયા સચદેવે લખેલો શેર ટાંકું છું
"દેખા હૈ હમ ને બજ્મ મેં છુપ છુપ કે આપ કો,
યે દેખતે હુએ કિ કોઈ દેખતા ન હો"
હા,અવસર મળ્યે સ્પર્શસુખ (મટકું!) મેળવી શકે. મિલન મુલાકાત માટે પાંપણોની જેમ રાત્રિની રાહ જોવી પડે.

બજ્મ=મહેફિલ
'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં તા.૨૫-૦૭-૧૦ ના દિવસે છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી