સોમવાર, 23 એપ્રિલ, 2012

સંઘર્ષ

ઈસ નદી કી ધાર સે ઠંડી હવા આતી તો હૈ
નાવ જર્જર હી સહી લહરોં સે ટકરાતી તો હૈ
દુષ્યંતકુમાર

દુષ્યંતકુમાર હિન્દી સાહિત્યક્ષેત્રને મળેલી અદ્ભુત વિલક્ષણ પ્રતિભા છે.

આ ગઝલના મત્લામાં ટાંચા, અધૂરા કે નુકશાન પામેલા સાધનો દ્વારા કરાતા જીવન સંઘર્ષની વાત છે. નદી અને ઠંડી હવા જીવનના પ્રતિકો છે. કવિ કહે છે નદીના પ્રવાહને સ્પર્શ કરીને આવતી હવા ઠંડી છે. ઠંડી હવા જીવનને તાજગી આપે છે. સવારે મોર્નિંગવૉક માટે જનારા ઠંડી હવાની તાજગી ફેફસાંમાં ભરવા માટે જાય છે ને. બીજી પંક્તિમાં કવિએ જીર્ણશીર્ણ હોડી દ્વારા અધૂરા ટાંચા સાધનો તરફ ઈશારો કર્યો છે. લહેરોસે ટકરાતી હૈ નો અર્થ સ્પષ્ટ છે. સાધનો ભલે ટાંચા છે ક્ષતિગ્રસ્ત છે. નદીના પ્રવાહથી બાથ ભીડી રહ્યાં છે.
સંઘર્ષ ચાલુ છે. જેણે સંઘર્ષ કરવો હોય એને સાધનોની ઊણપ નડતી નથી. સંઘર્ષકાળમાં વિખ્યાત ક્રિકેટર ગેરી સોબર્સ પાસે પૂરતા સાધનો ન હતા પણ બુલંદીએ પહોંચ્યા.

તા.૧૨।૨।૧૨ના રોજ દૈનિક જયહિંદમાં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલો લેખ એકાદ ફેરફાર સાથે
અભણ અમદાવાદી

રવિવાર, 22 એપ્રિલ, 2012

છંદ વિષે પ્રશ્ન / પ્રશ્નનો જવાબ

મારું છંદનું જ્ઞાન સાવ અછંદ છે એટલે એમાં નહિ પડું.જોકે તમે તમે જે શેર સહુથી પહેલો ટાંક્યો છે તે ગઝલના કયા છંદમાં છે તેવો એક સહજ પ્રશ્ન મને થયો. ભાષાના છંદનું જ્ઞાન હોવું એ આવકાર્ય અને તે માટે સંપૂર્ણતા (પરફેક્શન)નો આગ્રહ રાખવો તે પણ યોગ્ય છે. પણ ગઝલો જો માત્ર ટેકનીક થી જ લખાતી હોત કે લખી શકાતી હોત તો તે લખવામાં કે વાંચવામાં ભાષાના શિક્ષકો કે વિદ્યાર્થીઓ સુધી જ સીમિત રહી હોત. છંદમાં લખનારો શાયર પણ ગઝલ સંભળાવે છે ત્યારે તે " આ ફલાણા છંદમાં છે તેમ કહેતો નથી" એનો અર્થ એ થયો કે સહુ પ્રથમ તો ભાવ અગત્યનો બને છે. લય એ ભાવનો વાહક માત્ર છે અને એ ચોક્કસ જ હોય તે જરૂરી નથી એમ મને લાગે છે. એ જે તે ગઝલ છંદના બંધારણમાં જ હોય તે પણ જરૂરી નથી. હું ક્યારેય છંદમાં નથી લખતો. અરે મને તો એ પણ નથી ખબર. આ છંદના નામ કયા છે પણ તેથી કઈ ભાવ મટી જતો નથી અને કૃતિના ભાવના ભોગે તેને છંદ બદ્ધ કરવી કે તેને માટે સંપૂર્ણતા નો આગ્રહ રાખવો એ તેને જકડવા બરાબર છે એમ મને લાગે છે. છંદ વગર સાહિત્ય નહિ એવું જ હોત તો કોઈપણ અછાંદસ કૃતિઓ રચાઈ જ ન હોત. તમે ટેકનીક સમજાવવામાં છંદ અને ભાવની ભેળસેળ પણ નાહક કરી છે એમ મને લાગે છે.

બીજું મને તમારું ઉદાહરણ કઠયું. તમે ગઝલના છંદની વાત કરો છો ને તેને શર્ટની બાંય, બટન સાથે સરખાવો કે સમજાવો છો તે જરા વધુ પડતું લાગે છે.આપણે ગમે તેટલા સુઘડ રહેતા હોઈએ તોય આપણને ફિલ્મોમાં લઘર વઘર રહેતો હીરો કેમ ગમે છે ? કેમ કે આપણે ત્યારે એનો વેશ નહિ પણ એનો ભાવ જોઈએ છીએ.

ભાષામાં પરફેક્શન ના આગ્રહ નું એક નુકશાન એ પણ છે કે તે ભાષાનો વિકાસ અટકાવી શકે છે..અત્યારે ગઝલ શાસ્ત્રમાં જે છંદ હશે તે કંઈ ઉપરથી ટપક્યા હશે ? ના, પોતાના ભાવ અભિવ્યક્ત કરવા મથતા લોકો એ લય શોધતા શોધતા જ બનાવ્યા હશે ને..? તો પછી શકય છે કે તમે જેને પરફેક્શન થી અલિપ્ત ગણો છો તેમાંથી પણ કોઈ પોતે પોતાનો નવો છંદ બનાવે ! અને ન બનાવે તો પણ ગા લ ગા ..તૂટતા હોવા છતાં ગઝલના ભાવ ના બળે એ તરી જાય સામે પાર. મારા મતે જે લય મળે તેમાં કે લય ન મળે તો પણ લખવું એ જ ભાષાની અને વ્યક્તિની પોતાની મોટી સેવા છે. ભાવમાં જોર હશે તો લય તો એની મેળે મળી જ રહેવાનો છે.બંધારણમાં ઓગણીસ વીસ હશે તો પણ એ ખોટું નથી. ટૂંકમાં છંદની ટેકનીક ના જોરે જો ગઝલકાર થઇ શકાતું હોત તો ગઝલ પર અંબાણી કે અદાણીની પેટેન્ટ હોત !

રહી વાત હવે સાહિત્યક મુલ્ય ની. આ જરા અઘરો વિષય છે મારા માટે. તમે જો છંદ શાસ્ત્ર ના આધારે સેન્ટીમીટર કે ઇંચ માપવાના હો તો હા એનું મુલ્ય કોડી નું..પણ જો તમે એ જ માપદંડને ભાવ સાથે મુકો તો એનું મુલ્ય લાખનું થઇ શકે. આપણા વિવેચકોએ જયારે મેઘાણીને પણ સાહિત્યકાર નથી ગણ્યા ને કેટલાક ઉત્સાહી જીવો તો અછાંદસ ને સાહિત્ય જ નથી ગણતા ત્યારે આને મૂલવશું કેમ ?

આ લખીને મેં કોઈ પાઘડી નથી પહેરી એટલું તો ચોક્કસ માનશો જ. આભાર.

-મેહુલ

લેખના પ્રારંભે જે શેર લખ્યો હતો એ રમલ-૧૯ છંદમાં લખાયેલો શેર છે. મને લાગે છે તમે વિકાસ પ્રિય વ્યક્તિ છો. તેથી જ તમને પરફેક્શન નો આગ્રહ યોગ્ય લાગે છે. મિત્ર તમે જે વિચાર સ્થાને છો એક સમયે હું પણ ત્યાંજ હતો.  મને પણ લાગતું કે ભાવને બંધારણના પાંજરામાં પુરાય? મેં તો આ વિષય પર તર્કો સાથેની કવિતા પણ લખી હતી. એ કાવ્યનું મુખડું અહી રજુ કરું છું.

રચનાઓને ગઝલ કહેવી કે ગીત છંદ કહેવી કે મુક્તક, હું નથી જાણતો
એ બધી છે બંધારણીય આંટીઘૂંટી, 'બંધારણ' કોને કહેવાય હું નથી જાણતો
એક બીજી ય રચના કરી હતી

બંધારણનાં.બંધનમાં હું નથી બંધાતો
પધ્ધતિની જાળમાં હું નથી અટવાતો
મુક્ત પંખી છું હું, ખુલ્લા આકાશનું
સંગ્રહાલય નાં પિંજરે,ભાવ નથી સચવાતો

તમે સાચું કહ્યું છે કોઈ પણ પ્રકારની સાહિત્યિક રચના માટે ભાવ એ પ્રથમ જરૂરિયાત છે. ગઝલો માત્ર ટેકનીક થી નથી લખતી પણ સાચું છે.પણ મિત્ર મેં મારા લેખમાં એવું ક્યાંય નથી લખ્યું કે ગઝલો માત્ર ટેકનીક થી લખાય છે. છંદોબદ્ધ ગઝલ લખનારા કવિ કે શાયરે પઠન સમયે મહેફિલ ને ગઝલ કયા છંદમાં છે એ બતાવવાની જરૂર પણ નથી.કારણ કે શ્રોતાઓને સારી ગઝલ સાથે મતલબ છે. જેમ જમનારા ને સારા ભોજન સાથે મતલબ હોય છે. શાકમાં કયા મસાલા કેટલા પ્રમાણમાં નાખ્યા? કે રોટલી કેટલા ટપકારે થઇ? એની સાથે નહિ. તો પછી છંદનું મહત્વ શું? છંદ કોના માટે બન્યા છે? આ પ્રશ્નોનાં જવાબ જાણતા પહેલા છંદ કોને કહેવાય એની સરળ વ્યાખ્યા જાણી લઈએ. પંક્તિઓને સરળતાથી ગાઈ શકાય કે પઠન કરી શકાય માટે બનેલા નીતિ નિયમો એટલે છંદ.આને છંદો માટેની આ સરળ માં સરળ વ્યાખ્યા કહી શકાય. હા કાવ્ય લખવા માટે છંદ શીખીએ કે ન શીખીએ પણ ભાષાની ટેકનીક તો શીખવી જ પડે. નહીતર અર્થનો અનર્થ થતા વાર નથી લાગતી.

મેં ગઝલનાં છંદો ને બાંય કે બટન સાથે નથી સરખાવ્યા પણ સુઘડતા, સ્વચ્છતા, અને કલા પ્રિયતા વગેરે આપણને ગમે છે એ દર્શાવવા માટે ઉદાહરણો આપ્યા છે. તમે લખ્યું છે "આપણને ફિલ્મોમાં લઘર-વઘર હીરો ગમે છે કેમ કે આપણે ત્યારે એનો વેશ નહિ ભાવ જોઈએ છીએ" તો મિત્ર તમે જરા ધ્યાન આપજો, રીસર્ચ કરજો. હીરો, હિરોઈન અને અન્ય પાત્રોનાં વસ્ત્રો દ્રશ્ય અને પરિસ્થિતિને અનુરૂપ જ હોય છે. અમુક ઉદાહરણો જુઓ, કુછ કુછ હોતા હૈ માં કોલેજ લાઈફ ની બિન્દાસ્ત કાજોલ અને પછી ની કાજોલ ની વેશભૂષા માં ફેર છે. હોરર કે થ્રીલર ફિલ્મોમાં ભટકતી આત્મા સફેદ કે કળા વસ્ત્રોમાં જ હોય છે. રોકસ્ટાર માં કોલેજકાળના રણબીર અને રોકસ્ટાર રણબીર ના વસ્ત્રોમાં ફેર નોંધ્યો?આવું કેમ? કારણ ટેકનીક: ભાવોને, પરિસ્થિતિને, દ્રશ્ય અનુરૂપ વસ્ત્રો હોય[અન્ય ફર્નીચર વગેરે પણ] તો એક માનવીના વિચારો બીજા સુધી જલ્દી અને સરળતાથી પહોંચે છે. ટેકનીક વિચારોનું વહન કરવામાં સહાય કરે છે.

ભાષાના પરફેક્શન નો આગ્રહ એના વિકાસને કેવી રીતે રોકી શકે? આપણે જે મુદ્દા પ્રત્યે જાગ્રત હોઈએ એ પ્રત્યે વધારે ધ્યાન આપીએ છીએ. પરફેક્શન ના આગ્રહનો મતલબ જ એ છે કે આપણે કાર્યને વધુમાં વધુ સુંદર, આકર્ષક અને લોકોને ગમે એવું કરવા માંગીએ છીએ.

છંદ ઉપરથી નથી પડ્યા એ સત્ય છે.માનવીની સદીઓની સાહિત્ય સાધનાનું પરિણામ છે. છંદમાં લખો ન લખો એ મરજીની વાત છે. હા, તમે અંબાણી અને અદાણીની વાત કહી.તેઓ એમના કાર્ય; બિજનેસ ની ટેકનીક માં પાવરધા છે એટલે જ 'અંબાણી' અને 'અદાણી' છે.

છેલ્લે સાહિત્યિક મૂલ્યના મુદ્દાને તમે સ્પર્શ્યો નથી એટલે હું ય નથી સ્પર્શતો. મને નથી ખબર તમારા પ્રશ્નોનું સમાધાન થયું કે નહિ. પણ તમે મને પ્રશ્નો પૂછી આ મુદ્દા વિષે લખવા પ્રેર્યો તે બદલ આભાર.
અભણ અમદાવાદી

ટેકનીકનું મહત્વ

કાળ સામે તે કવિ ટકતા નથી
છંદ માં જેઓ ગઝલ લખતા નથી
લલિત રાણા' આતશ'

મને આ શેર બહુ ગમે છે. દરેક કાર્ય ની એક પધ્ધતિ હોય છે એક ટેકનીક હોય છે. ટેકનીકથી કાર્ય કરવાથી તે ઝડપથી થાય છે અને સારું પણ થાય છે. જો સારું ના થાય તો એનો મતલબ એ કે ટેકનીકમાં ક્યાંક ખામી છે. દરેક ટેકનીક ખાસ કરીને સર્જનાત્મક કાર્યોની ટેકનીકમાં એક લય છુપાયેલી હોય છે. લયબદ્ધ રીતે કાર્ય કરવાથી કાર્ય કરવામાં પણ મઝા આવે છે. એવું નથી કે પદ્ધતિસર રીતે કાર્ય ન કરીએ તો કાર્ય થતું નથી પણ ટેકનીકલ મર્યાદામાં રહીએ કાર્ય કરવાની મઝા જ કંઈ ઓર છે. જેઓ ટેકનીકલ રીતે સક્ષમ કાર્ય નથી કરતા એમને ક્ષણિક વાહવાહી ભલે મળે પણ ઈતિહાસમાં એમની નોંધ લેવાતી નથી.જયારે ટેકનીકલ તીતે સક્ષમ કાર્ય સમે કાળ પણ હારી જાય છે. ઈતિહાસના પાના પર એ કૃતિ અમર થઇ જાય છે. રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકર સૌથી મોટું ઉદાહરણ છે.

મને આડેધડ સીવેલું શર્ટ ગમે? એક બાંય નાની ને એક મોટી હોય તો ગમે? બાંય નાની મોટી છોડો શર્ટના રંગ સાથે રંગસંયોજન [અરે મેચિંગ યાર] કરતા ન હોય એવા બટન પણ ગમતા નથી. ઘરની ભીંતો વાંકી-ચૂંકી હોય? ફર્નીચર આડેધડ બનેલું હોય? દરવાજા એક સરખી સાઈજના ના હોય તો ગમે? રસોઈ કાચી-પાકી હોય?રોટલી અડધી બળેલી ને અડધી કાચી હોય તો ગમે? ના આપણને એ નથી ગમતું. કેમ નથી ગમતું? કારણ કે એમાં દર્શનીયતા સુઘડતા સુંદરતા કે કલાત્મકતા નથી હોતા. આપણે આપણા અંગત જીવનમાં 'પરફેક્શન' ને જો આટલું મહત્વ આપતા હોઈએ તો સંસ્કૃતિ અને વિરાસતને એકથી બીજી પેઢી સુધી પહોંચાડનાર ભાષા પ્રત્યે કેમ આટલા બેદરકાર છીએ? ભાષામેં પરફેક્શનનો આગ્રહ કેમ નથી રાખતા?

ટેકનીકની અને ખાસતો છંદમાં ગઝલ લખવા મુદ્દે લખી રહ્યો છું ત્યારે ફેસબુક પર લખતા ઘણા એવા કવિઓના નામ યાદ આવી રહ્યા છે જેઓ ભાષા પર રીતસરનો અત્યાચાર જ કરે છે.એમની રચનાઓમાં ભાવ સાતત્ય ,શબ્દ પ્રવાહ કે વ્યાકરણના કોઈ જ ઠેકાણા હોતા નથી. ઘણીવાર તો એમને શબ્દનો ખરો ઉચ્ચાર પણ ખબર હોતો નથી અને એ શબ્દ રચનામાં વાપરે છે. એમને લાઇક પણ મળે છે. જોકે એમને લાઇક કરનારાઓની પણ એક મજબૂરી છે.એમને વચનક્ષુધા સંતોષવી છે. એ સ્થિતિમાં એમને જે મળે એનાથી વચનક્ષુધા સંતોષે છે. [મતદાર ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોમાં સૌથી ઓછા ખરાબ ઉમેદવારને મત આપીને મતદાનનો સંતોષ કરે આ એના જેવું થયું]. પણ એમની કૃતિનું સાહિત્યિક મુલ્ય શું? બીજાઓની વાત છોડો એમને લાઇક આપનારાઓને પણ એમની કૃતિ અઠવાડિયા પછી ભાગ્યેજ યાદ હોય છે.

કૃતિના સાહિત્યિક મૂલ્યના સંદર્ભમાં એક ઉદાહરણ દુષ્યંતકુમારનું આપું.એમને લગભગ ૫૦ જી હા ફક્ત ૫૦ જેટલી જ ગઝલો લખી છે [બીજી રચનાઓ જુદી] પણ હિન્દી સાહિત્ય વિવેચકોનો એક વર્ગ આધુનિક હિન્દી ગઝલના ઈતિહાસને દુષ્યંત કે બાદ અને દુષ્યંત સે પહલે એમ બે સમયખંડમાં વહેંચે છે. એમના ત્રણ શેર સાથે લેખ પૂરો કરું છું. હા એક સુચના આ લેખ વાંચી કોઈ એ બંધબેસતી પાઘડી, સાડી, ટોપી, વીંટી, કે બંગડી પહેરવા નહિ પ્લીઝ

अब किसी को भी नज़र आती नहीं कोई दरार
घर की हर दीवार पर चिपके हैं इतने इश्तहार

भूख है तो सब्र कर रोटी नहीं तो क्या हुआ
आजकल दिल्ली में है ज़ेर-ए-बहस ये मुदद्आ

ये सारा जिस्म झुक कर बोझ से दुहरा हुआ होगा[1]
मैं सजदे में नहीं था आपको धोखा हुआ होगा
દુષ્યંતકુમાર
થોડા વર્ષ પહેલા જયહિન્દ માં મારી કોલમ 'અર્જ કરતે હૈ'માં છપાયેલો લેખ થોડા ફેરફાર સાથે
અભણ અમદાવાદી

ગુલાબી મિજાજ

સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે
સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે
જલન માતરી

જલન માતરી સાહેબની ગઝલ એટલે બસરાનાં સાચા મોતી, ૨૪ કેરેટ સોનું. મિત્રો મારી કોઈ વિસાત નથી કે હું એમની ગઝલનું વિવેચન કરું કે ભાવાર્થ લખું.આ લેખ જલનસાહેબની કળાકૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ છે.
સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુઓ છે.આમ તો જગતમાં સુખ કે દુઃખ જેવું કંઈ નથી જે છે એ માનવીની પરિસ્થિતિઓ છે.સુખ અને દુઃખ ક્ષણભંગુર છે.બંનેમાંથી એકેય કાયમી નથી. હા, શાયરે અહી કલાત્મક અંદાજમાં સુખને દુઃખનો ગુલાબી મિજાજ કહ્યો છે.આધ્યાત્મિકતા કહે છે સુખ અને દુઃખ આવે છે ને જાય છે.લાગણીઓ નાં વિવિધ સ્વરૂપોનું નામ સુખ અને દુઃખ છે.
એક જ સિક્કાની બે બાજુની વાત નીકળી છે એટલે અહીં એક આડવાત કરી દઉં, એક જ ગુણ માટે સફળતા અને નિષ્ફળતાની પરિસ્થિતિઓમાં જુદા જુદા શબ્દ વપરાય છે.સફળ માનવીની અડગતાને દ્રઢનિશ્ચય જયારે નિષ્ફળ માનવીની અડગતાને જીદ્દીપણું કહેવાય છે.. હકીકતે બંનેમાં ગુણ એક જ છે અડગતાનો.

હું જો અનુસરણ ન કરું તો કરું યે શું?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.
વા...........હ જલનસાહેબ વા....હ. મૃત્યુ સનાતન સત્ય છે આ વાત એકદમ સરળ શબ્દોમાં કહેવાઈ છે.સામાન્ય રીતે આ જગતમાં સારા કાર્યો કે સફળતાઓનું અનુસરણ થાય છે.આ વાતની આધાર લઈને ઉપરોક્ત સત્ય રજુ કર્યું છે.જે જીવ અવતરે છે એનું મૃત્યુ નિશ્ચિત છે પણ આ વાતને અનુસરણ સાથે સરખાવી શેરને ઉત્તમ શ્રેણીનો બનાવ્યો છે. જગતનો દરેક માનવી અન્ય કોઈ કાર્યનું અનુસરણ કરે કે ન કરે પણ 'મરવાનું' અનુસરણ જરૂર કરે છે.

અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઈલાજ છે?
કહેવત છે ને "વહેમનો કોઈ ઈલાજ નથી" આ કહેવતને સથવારે ખુદાના, પ્રભુના, પરમપિતા પરમેશ્વરનાં અસ્તિત્વ વિષે વાત થઇ છે." ઉપરવાળા"નું અસ્તિત્વ વિશ્વાસ પર આધારિત છે. જેને વિશ્વાસ છે એના માટે પ્રભુ છે જેને નથી એના માટે પ્રભુ નથી. બંને મત પોતાના સ્થાને અડગ છે. જો કે ઘણી એવી ઘટનાઓ બની છે જેણે ઘોર નાસ્તિકને આસ્તિક અને ઘોર આસ્તિકને નાસ્તિક બનાવ્યા હોય.

ઉપરોક્ત ત્રણ સિવાય આ ગઝલમાં બીજા બે શેર છે જે આ પ્રમાણે છે.
દુનિયાના લોક હાથ પણ મૂકવા નાં દિયે
ને તું કહે સમસ્ત જગ મારે કાજ છે

ઊઠ બેસ વિણ અજાણ વિણ પળમાં પતી જશે
મસ્જીદમાં આખરી આ 'જલન'ની નમાજ છે
અર્જ કરતે હૈ
અભણ અમદાવાદી

ગુરુવાર, 19 એપ્રિલ, 2012

વિદ્વાન સ્વપ્ન

સ્વપ્ન મારું વાત નિરાળી કરે
એ તો વિદ્વાનોથી પણ વિદ્વાન છે
સંધ્યા ભટ્ટ

સ્વપ્ન માવનમનનું દર્પણ છે. મનોવિજ્ઞાનીઓ સદા કહે છે. તમને કયા સ્વપ્નો આવે છે. એની નોંધ રાખો. સ્વપ્નો માનવીને અલૌકિક દિવ્ય શક્તિ સાથે જોડે છે. સ્વપ્ન અગમના એંધાણ આપે છે.

સામાન્ય સમજ મુજબ વિદ્વાન એટલે જ્ઞાનવાન, પંડિત, જ્ઞાની. નિરાળી એટલે નોખી, જુદી, ન્યારી. હું એને પણ વિદ્વાન માનું છું જે આવતી કાલે ઘટનારી ઘટનાને આજે જોઈ શકે છે જાણી શકે છે. આ મામલે સ્વપ્નને કોઈ ન પહોંચી શકે. લગભગ ૧૮૯૮ના વરસમાં એક લેખકને સ્વપ્ન આવેલું. જેમાં એણે એક સ્ટીમરને ડૂબતી જોઈ. સ્વપ્નમાં એને પૂરું નામ નહોતું દેખાયું પણ Titan શબ્દો દેખાયા. લેખકે સ્વપ્નમાં દેખાયેલા ઘટનાક્રમ પર આધારિત નવલકથા લખી. વર્ષો પછી એ સ્વપ્નનાં(નવલકથાનાં પણ) દ્રશ્યો ટાઈટેનિક દુર્ઘટના રુપે સાકાર થયા. કવિયત્રીએ કદાચ એટલે જ સ્વપ્નને વિદ્વાનોથી વિદ્વાન કહ્યાં છે. ઘણીવાર ભવિષ્ય ને વિદ્વાન નથી જાણી શકતા, નથી જોઈ શકતા. સ્વપ્ન જાણી લે છે, જોઈ લે છે.

તા.8।4।12ના રોજ દૈનિક 'જયહિંદ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

સોમવાર, 16 એપ્રિલ, 2012

ધનવાન સ્વપ્ન

સ્વપ્ન મારું કેટલું ધનવાન છે
આંખ સામે લીલુંછમ મેદાન છે
સંધ્યા ભટ્ટ

ધનવાન કોને કહેવાય? ધનવાનની વ્યાખ્યા શી? હું આ વ્યાખ્યા કરું છું. જે વ્યક્તિ કોઈનું દિલ દુભાવવાની ઈચ્છા કર્યા વગર પોતાની મરજી મુજબ જીવન જીવી શકે. જીવનમાં ઘણું બધું ઈનફેક્ટ સઘળું આવી ગયું. જે ખુશહાલ હોય, સમૃદ્ધ હોય, જેના સપના પૂરા થયા હોય: એ ધનવાન છે અને સપના કુદરતની કૃપા વગર પૂરા થતા નથી.

પ્રથમ મિસરામાં સંધ્યા ભટ્ટે સ્વપ્નને ધનવાન વિશેષણ આપ્યું છે. બીજા મિસરામાં ધનવાન હોવાનું કારણ રજૂ કર્યું છે. આ વાક્ય આ કારણ કેટલો ગહન અર્થ રાખે છે. તે જુઓ.

આંખ સામે લીલોતરી હોવી એ સદભાગ્યની વાત છે. બહુ સારી, બહુ મોટી વાત છે. આંખ સામે લીલોતરી હોવાનો મતલબ છે. વરસાદ સારો થયો છે. પાક સારો થશે. પાક સારો થવાથી અન્ય ધંધા રોજગાર પણ સારા રહેશે. ભારતમાં આજે પણ અર્થચક્ર, વેપારચક્ર ખેતીથી શરૂ થઈ ખેતી પર જ પૂરું થાય છે. બધાનાં ધંધા રોજગાર સારા રહેવાથી જીવન સુખી અને સમૃદ્ધ થશે. કારણ આંખ સામે લીલોતરી છે. લીલોતરી એ કુદરતની કૃપાનું પ્રતિક છે. કુદરતની કૃપા જેના પર થાય એ જ ધનવાન છે.

દૈનિક 'જયહિંદ'માં તા.૮।૪।૨૦૧૨નાં રોજ મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી