રવિવાર, 22 એપ્રિલ, 2012

ટેકનીકનું મહત્વ

કાળ સામે તે કવિ ટકતા નથી
છંદ માં જેઓ ગઝલ લખતા નથી
લલિત રાણા' આતશ'

મને આ શેર બહુ ગમે છે. દરેક કાર્ય ની એક પધ્ધતિ હોય છે એક ટેકનીક હોય છે. ટેકનીકથી કાર્ય કરવાથી તે ઝડપથી થાય છે અને સારું પણ થાય છે. જો સારું ના થાય તો એનો મતલબ એ કે ટેકનીકમાં ક્યાંક ખામી છે. દરેક ટેકનીક ખાસ કરીને સર્જનાત્મક કાર્યોની ટેકનીકમાં એક લય છુપાયેલી હોય છે. લયબદ્ધ રીતે કાર્ય કરવાથી કાર્ય કરવામાં પણ મઝા આવે છે. એવું નથી કે પદ્ધતિસર રીતે કાર્ય ન કરીએ તો કાર્ય થતું નથી પણ ટેકનીકલ મર્યાદામાં રહીએ કાર્ય કરવાની મઝા જ કંઈ ઓર છે. જેઓ ટેકનીકલ રીતે સક્ષમ કાર્ય નથી કરતા એમને ક્ષણિક વાહવાહી ભલે મળે પણ ઈતિહાસમાં એમની નોંધ લેવાતી નથી.જયારે ટેકનીકલ તીતે સક્ષમ કાર્ય સમે કાળ પણ હારી જાય છે. ઈતિહાસના પાના પર એ કૃતિ અમર થઇ જાય છે. રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકર સૌથી મોટું ઉદાહરણ છે.

મને આડેધડ સીવેલું શર્ટ ગમે? એક બાંય નાની ને એક મોટી હોય તો ગમે? બાંય નાની મોટી છોડો શર્ટના રંગ સાથે રંગસંયોજન [અરે મેચિંગ યાર] કરતા ન હોય એવા બટન પણ ગમતા નથી. ઘરની ભીંતો વાંકી-ચૂંકી હોય? ફર્નીચર આડેધડ બનેલું હોય? દરવાજા એક સરખી સાઈજના ના હોય તો ગમે? રસોઈ કાચી-પાકી હોય?રોટલી અડધી બળેલી ને અડધી કાચી હોય તો ગમે? ના આપણને એ નથી ગમતું. કેમ નથી ગમતું? કારણ કે એમાં દર્શનીયતા સુઘડતા સુંદરતા કે કલાત્મકતા નથી હોતા. આપણે આપણા અંગત જીવનમાં 'પરફેક્શન' ને જો આટલું મહત્વ આપતા હોઈએ તો સંસ્કૃતિ અને વિરાસતને એકથી બીજી પેઢી સુધી પહોંચાડનાર ભાષા પ્રત્યે કેમ આટલા બેદરકાર છીએ? ભાષામેં પરફેક્શનનો આગ્રહ કેમ નથી રાખતા?

ટેકનીકની અને ખાસતો છંદમાં ગઝલ લખવા મુદ્દે લખી રહ્યો છું ત્યારે ફેસબુક પર લખતા ઘણા એવા કવિઓના નામ યાદ આવી રહ્યા છે જેઓ ભાષા પર રીતસરનો અત્યાચાર જ કરે છે.એમની રચનાઓમાં ભાવ સાતત્ય ,શબ્દ પ્રવાહ કે વ્યાકરણના કોઈ જ ઠેકાણા હોતા નથી. ઘણીવાર તો એમને શબ્દનો ખરો ઉચ્ચાર પણ ખબર હોતો નથી અને એ શબ્દ રચનામાં વાપરે છે. એમને લાઇક પણ મળે છે. જોકે એમને લાઇક કરનારાઓની પણ એક મજબૂરી છે.એમને વચનક્ષુધા સંતોષવી છે. એ સ્થિતિમાં એમને જે મળે એનાથી વચનક્ષુધા સંતોષે છે. [મતદાર ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોમાં સૌથી ઓછા ખરાબ ઉમેદવારને મત આપીને મતદાનનો સંતોષ કરે આ એના જેવું થયું]. પણ એમની કૃતિનું સાહિત્યિક મુલ્ય શું? બીજાઓની વાત છોડો એમને લાઇક આપનારાઓને પણ એમની કૃતિ અઠવાડિયા પછી ભાગ્યેજ યાદ હોય છે.

કૃતિના સાહિત્યિક મૂલ્યના સંદર્ભમાં એક ઉદાહરણ દુષ્યંતકુમારનું આપું.એમને લગભગ ૫૦ જી હા ફક્ત ૫૦ જેટલી જ ગઝલો લખી છે [બીજી રચનાઓ જુદી] પણ હિન્દી સાહિત્ય વિવેચકોનો એક વર્ગ આધુનિક હિન્દી ગઝલના ઈતિહાસને દુષ્યંત કે બાદ અને દુષ્યંત સે પહલે એમ બે સમયખંડમાં વહેંચે છે. એમના ત્રણ શેર સાથે લેખ પૂરો કરું છું. હા એક સુચના આ લેખ વાંચી કોઈ એ બંધબેસતી પાઘડી, સાડી, ટોપી, વીંટી, કે બંગડી પહેરવા નહિ પ્લીઝ

अब किसी को भी नज़र आती नहीं कोई दरार
घर की हर दीवार पर चिपके हैं इतने इश्तहार

भूख है तो सब्र कर रोटी नहीं तो क्या हुआ
आजकल दिल्ली में है ज़ेर-ए-बहस ये मुदद्आ

ये सारा जिस्म झुक कर बोझ से दुहरा हुआ होगा[1]
मैं सजदे में नहीं था आपको धोखा हुआ होगा
દુષ્યંતકુમાર
થોડા વર્ષ પહેલા જયહિન્દ માં મારી કોલમ 'અર્જ કરતે હૈ'માં છપાયેલો લેખ થોડા ફેરફાર સાથે
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો